કોકરાઝારની કોર્ટે જીગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ જામીન અરજી પર આજે સુનાવણી
કોકરાઝારની કોર્ટે ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે તેની જામીન અરજી પર આજે સુનાવણી થશે. આસામ પોલીસે આ અંગે રવિવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. જ્યાંથી તેને આસામ લઈ જવામાં આવ્યો હતો. આસામ પોલીસે ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મેવાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
મહત્વનું છે કે, જીગ્નેશ મેવાણી પોતાના ટ્વિટમાં દાવો કર્યો છે કે, ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ.ઉપરોક્ત ટ્વીટના સંદર્ભમાં, ઉપરોક્ત માટે મેવાણી સામે આઈપીસી કલમ 120(બી) (ગુનાહિત કાવતરું), 153 (એ) (બે સમુદાયો સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295 (એ) અને 504 (શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરવાના હેતુથી વસ્તુઓ કહેવું) ટ્વિટ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
જીગ્નેશની પૂછપરછ માટે કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા જે દરમિયાન જીગ્નેશ મેવાણીએ બિલકુલ સહયોગ નહીં આપ્યાના સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત મેવાણીએ તેના મોબાઈલના લોકથી માંડી કોઈ પણ વિગતો આપી ન હતી. ત્યારે આજે જીગ્નેશ મેવાણીને જામીન મળશે કે કેમ? તે બાબત પર પ્રશ્નાર્થ છે.
બીજી બાજુ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે. આજે પણ કોંગ્રેસ દ્વારા અનેક તાલુકા-જિલ્લા સ્તરે મૌન રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરાયો છે.