ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ દ્વારા ‘સિંધુડોનાં શૌર્યગીતો થકી સ્વરાંજલિ
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, ગુજરાત રાજ્યના નિવૃત્ત મુખ્ય સચિવ પ્રવીણભાઈ કે. લહેરી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્થિતિ
ધોલેરા સત્યાગ્રહ -સિંધુડોની 92મી જયંતી અવસરે શૌર્યભૂમિ ધોલેરા સ્થિત ઐતિહાસિક ગાંધી ચોક ખાતે બે કલાત્મક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર, ઈતિહાસને આલેખતી બે તકતીની સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી, ધોળકાના ધારાસભ્ય અને ધોલેરાના મૂળ વતની ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ધોલેરાના મૂળ વતની ભરતભાઈ પંડ્યા, ગુજરાત રાજ્યના નિવૃત્ત મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ કનુભાઈ લહેરી (આઈએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, સામતસંગ ઉમટ, રાજુભાઈ પટેલ, પ્રતાપભાઈ જીવરાજભાઈ પટેલ, સંજયભાઈ જેસંગભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ધોલેરા સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરક ઉપસ્થિતિ પણ રહી હતી.
ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે ‘સિંધુડોનાં શૌર્યગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાની પ્રેરણાથી પ્રદ્યુમનસિંહ ચુડાસમા (ધોલેરા) નંદકરણ ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથીઓના સહયોગથી આ બન્ને તકતીઓની સ્થાપના થઈ છે. તકતીની પરિકલ્પના – આલેખન પિનાકી મેઘાણીનું છે. સહુએ ધોલેરા સરની કોર્પોરેટ ઓફિસ એ.બી.સી.ડી. બિલ્ડીંગની પણ મુલાકાત લીધેલી.
ધોલેરા સત્યાગ્રહના અગ્રગણ્ય સેનાનીઓ હતા : સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ સુશીલ, રસિકલાલ પરીખ, જગજીવનદાસ મહેતા, કક્લભાઈ કોઠારી, હરગોવિંદભાઈ પંડ્યા, મનુભાઈ જોધાણી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા સોપાન, રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી દર્શક, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, બહેનોનું સુકાન સંભાળેલું હતુ.અંગ્રેજ સરકારના અમાનુષી અત્યાચારને કારણે રતિલાલ વૈદ્ય નામના 18-વર્ષીય યુવા સત્યાગ્રહી પુણેની યરવડા જેલમાં શહીદ થયા હતા.