જિલ્લા કલેકટરને આવેદન
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી સાથણીની જમીનની ફાળવણીમાં અન્યાયની રાવ ઉઠી છે ત્યારે ઝાલાવાડમાં અનેક ગામોમાં સાથણીની જમીનના અભાવે મુશ્કેલી ઉભી થઈ રહી છે. ચોટીલા તાલુકાના આકડીયા ગામના ૧૫૦થી વધુ લોકોએ સાથણીની જમીન માટે અરજી કરી હતી. આ ગામમાં હાલ ૨૫૦૦ જેટલા માલઢોર પણ સીમ જમીનમાં ચરવા માટે રઝળપાટ કરી રહ્યા છે ત્યારે ચોટીલા તાલુકાના આકડીયા ગામની સાથણીની જમીન અન્ય ગામના લોકોને ફાળવવામાં આવી હતી. આથી આકડીયા ગામના લોકોમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ધસી જઈ સુત્રોચ્ચાર કર્યા હતા જેમાં આવેદનપત્ર આપી આ સાથણીની જમીનની ગામના લોકોને ફાળવવાની માંગ કરાઈ હતી. આ અંગેનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.