આત્મકથા, સરદાર પટેલ અને ગેગસ્ટરની કથાવાળી ફિલ્મોમાં કામ કરવાનો છું: મલ્હાર ઠાકરની ‘અબતક’ સાથે ખાસ મુલાકાત
તાજેતરમાં રિલીઝ થયેલી હાસ્યરસિક ગુજરાતી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ના કલાકારો રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને આમંત્રિત દર્શકો સાથે ફિલ્મ નિહાળી હતી. આ તકે ‘અબતકે’ ફિલ્મના મુખ્ય કલાકાર અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સુપ્રસિધ્ધ અભિનેતા મલ્હાર ઠાકર સાથે મુલાકાત કરી હતી. જેના અંશો અત્રે પ્રસ્તુત છે.
પ્રશ્ન: એક સમયે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડીયા, હિતેન કુમાર જેવા અભિનેતાઓ ગુજરાતી ફિલ્મોમાં રાજ કરતા હતા હવે એ હરોળમાં મલ્હાર ઠાકર પણ જોડાયાં છે…
મલ્હાર : આ સાંભળીને મને ખૂબ આનંદ થયો કે ઉપેન્દ્રભાઇની હરોળનાં કલાકારો સાથે મારૂં નામ તમે મૂક્યું. આ તકે હું ચોક્કસ કહીશ કે ‘વિકીડાનો વરઘોડો’ ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે. અમારા કામને લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે.
પ્રશ્ન: એક સમયે લોકકથા અને દેશી કથાની ફિલ્મો લોકોને ગમતી આજે તમે અર્બન ફિલ્મો બનાવો છો તો બંને વચ્ચે કેવો તફાવત છે?
મલ્હાર : લોકોને જૂની અને નવી એમ બંને પ્રકારની ફિલ્મો ગમે છે પણ સમય સાથે કહેવાની રીત બદલાય છે. આજની અર્બન ફિલ્મોમાં તમારા શહેરની વાત, તમારી આજુબાજુ બનતી ઘટનાની વાત આવે છે, અગાઉ ઘણી બધી કાલ્પનિક કથાઓ પર ફિલ્મો બનતી અને એટલે આજની ફિલ્મો દરેક ફેમિલીને કનેક્ટ કરે છે.
પ્રશ્ન: આજે બાળકો ઇંગ્લીશ મિડિયમમાં ભણવા લાગ્યા છે અને ઇંગ્લીશ બોલાઇ રહ્યું છે ત્યારે આવતા દિવસોમાં ગુજરાતી ફિલ્મો કોણ જોશે?
મલ્હાર : સાચી વાત છે કે ઇંગ્લીશનો ક્રેઝ વધ્યો છે પણ જ્યાં સુધી આપણે આપણા ઘરમાં ગુજરાતી ભાષામાં બોલતાં રહીશું ત્યાં સુધી ગુજરાતી ફિલ્મોને ઉની આંચ નહિં આવે. અમાણી પણ જવાબદારી છે કે ગુજરાતી ભાષામાં સારી ફિલ્મો આપીએ.
પ્રશ્ન: ‘વિકીડાનો વરઘોડો’ માં ત્રણ હિરોઇનો છે તો કપિલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરૂં’ ફિલ્મ પરથી પ્રેરણા લઇને આ ફિલ્મ બનાવી છે?
મલ્હાર : ના, ના. અમે ઓરિજનલ કથા પર ફિલ્મ બનાવી છે. અહિં વિકીડાના લગ્ન વખતે તેની સ્કૂલ સમયની ગર્લફ્રેન્ડ, કોલેજકાળની ગર્લફ્રેન્ડ આવી જાય છે અને વિકીડો મુંજાય છે કે ત્રણ ક્ધયાઓમાંથી કોની સાથે લગ્ન કરવા !
પ્રશ્ન: ‘વિકીડાનો વરઘોડો’ પ્રથમ દ્રષ્ટિએ તોછડા નામવાળી ફિલ્મ હોય એવું લાગે છે…
મલ્હાર : ગુજરાતમાં આપણે આપણા મિત્રોને અથવા પરિવારના સભ્યોને આ રીતે પ્રેમથી થોડી તોછડાઇ સાથે બોલાવતાં હોઇએ છીએ.
પ્રશ્ન: આગળ ઉપર તમારે કેવી ફિલ્મોમાં કામ કરવું છે?
મલ્હાર : આત્મકથા પ્રકારની ફિલ્મ પર હું કામ કરવાનો છું સાથેસાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઉપરાંત ગેગસ્ટરને લગતી ફિલ્મોમાં હું કામ કરવાનો છું વળી વિકીડાના લગ્ન પણ કરાવવાના છે.
પ્રશ્ન: આપણે ત્યાં સાઉથની ફિલ્મોનો દબદબો હોય છે તો ગુજરાતી ફિલ્મોની હિન્દી નકલ ક્યારે થશે?
મલ્હાર : ત્રણ અઠવાડીયા પહેલા અમારી ફિલ્મ રિલીઝ થઇ અને એ વખતે એક મોટા બેનરની હિન્દી ફિલ્મ પણ આવી છતાં અમારી ફિલ્મનું કલેક્શન વધુ હતું.
પ્રશ્ન: આગામી દિવસોમાં મલ્હાર ઠાકર શું નવિનતા લાવશે?
મલ્હાર : હું દર વખતે નવા-નવા પ્રયોગ કરતો રહું છું. મારી પાસે સારી-સારી વાર્તાઓ આવી રહી છે હજુ આવતાં દિવસોમાં મલ્હાર કંઇક નવું લઇને આવશે.
પ્રશ્ન: તમે પ્રતિક ગાંધી સાથે કામ કર્યું, તેઓ વેબસિરીઝ અને હિન્દી ફિલ્મોમાં બીઝી છે. તમે ક્યારે એ દિશામાં વળશો?
મલ્હાર : હું અત્યારે ગુજરાતીમાં વધારે પડતો ઓક્યુપાઇડ છું છતાં બોલીવુડ અને વેબસિરીઝ માટે પણ આગામી દિવસોમાં ઝંપલાવીશ.
પ્રશ્ન: ‘વિકીડાનો વરઘોડો’ તો નિકળ્યો હવે મલ્હારનો વરઘોડો ક્યારે?
મલ્હાર : આવતાં વર્ષે કદાચ મારો વરઘોડો નીકળશે કેમ કે અત્યારે તો હું ઘણો વ્યસ્ત છું.
ગુજરાતી ફિલ્મો પણ એવોર્ડ વિનર બની છે: મોનલ ગજ્જર
‘વિકીડાનો વરઘોડો’ ફિલ્મની અભિનેત્રી મોનલ ગજ્જર સાથે ‘અબતકે’ વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું કે મેં તામિલ, તેલુગુ, મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે છતાં મને ગુજરાતી ભાષાની ફિલ્મો ખૂબ ગમી છે કેમ કે દરેક ભાષાને પોતાની ફ્લેવર હોય છે. મેં અભિનયની તાલિમ નથી લીધી અને મને વારસામાં પણ અભિનય નથી મળ્યો છતાં હું આપ બળે આગળ વધી રહી છું. દરેક ભાષાની ફિલ્મોની મર્યાદા પણ હોય છે જેમ કે સાઉથની ફિલ્મો ભલે વખણાય પરંતુ તેમની દરેક ફિલ્મને એવોર્ડ મળતા નથી. એની સામે આપણી ઘણી ગુજરાતી ફિલ્મો એવોર્ડ વિનર બની છે અને લોકોમાં ખૂબ પ્રશંસા પણ પામી છે. એવું મોનલ ગજ્જરે જણાવ્યુ.સ્નેહલતા, રોમા માણેક જેવી અભિનેત્રીઓની હરોળમાં આવવા ઉત્સુક મોનલ ગજ્જરે જણાવ્યું કે મેં જૂની ગુજરાતી ફિલ્મો જોઇ છે એનાથી ઘણી ઇન્સ્પાયર છું એ હિરોઇનોની કક્ષાએ આવવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે.
જીઓ ફિલ્મ અને સિધ્ધાર્થ રાંદેરીયા સાથે ઉત્તમ ફિલ્મ લઇને આવી રહ્યો છું: વિનિત કનોજીયા
‘વિકીડાના વરઘોડો’ના ડાયરેક્ટર વિનિત કનોજીયાએ ‘અબતક’ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે મેં બહુ પ્રસિધ્ધ થયેલી રેવા ફિલ્મનું પણ ડિરેક્શન કર્યું છે પરંતુ એ કથા અને પરિવેશ જુદા હતા, એમાં અમે જંગલો, નદીઓમાં જઇને શૂટ કરતાં હતા જ્યારે ‘વિકીડાનો વરઘોડો’ ફનલવિંગ ફિલ્મ છે. એના શૂટિંગમાં ખૂબ આનંદ આવ્યો. તેમણે વધુમાં કહ્યું કે હું જ્યારે આ ફિલ્મની કથા લખતો હતો ત્યારે મેં ક્યું કેરેક્ટર કોણ ભજવશે એ નક્કી કરી લીધું હતું અને એ પ્રમાણે જ મારી ફર્સ્ટ ચોઇસનું કાસ્ટિંગ મને મળી ગયું. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં હું જીઓ ફિલ્મ માટે સરસ કથા લઇને આવી રહ્યો છું. વળી કોમેડી કિંગ સિધ્ધાર્થ રાંદેરીયા સાથે પણ એક ફિલ્મ કરી રહ્યો છું. જે ધમાકો મચાવશે.