પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનેલા કચ્છમાં રોજગારીની વિપુલ તકો: જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા

 સરકારના પ્રજાલક્ષી કામો વિશ્વાસથી વિકાસ યાત્રા તરફ લઇ જઇ રહ્યા છે: ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી 

અબતક, વારિશ પટ્ટણી, ભૂજ

રાજ્યમાં વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમો પૈકી મહાત્મા મંદિરથી વર્ચ્યુઅલી કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, કચ્છ શાખા નહેરનું 348 કિ.મી.નું કામ પૂર્ણ થતાં કચ્છના 948 ગામો અને 10 શહેરોને પીવાનું પાણી મળશે અને 2.78 લાખ એકર વિસ્તારને પિયતની સુવિધા મળવાની છે. કચ્છ દૂધઇ પેટા શાખા નહેરનું રૂ.1550 કરોડના ખર્ચે 45 કિ.મી.વિસ્તરણ દ્વારા અંજાર અને ભુજ તાલુકાના 13175 વિસ્તારને સિંચાઇ માટે નર્મદાના જળ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ટાઉનહોલ ભુજ ખાતે રૂ.42.66 કરોડના 26 વિકાસકામોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજય સાથે કચ્છનો વણથંભ્યો વિકાસ વિશ્વ નોંધનીય છે.  ખાતમુહૂર્તના કામો પૈકી પેવર બ્લોકના રોડકામ, ફૂટપાથ અપગ્રેડેશનના કામો, મુન્દ્રા 66 કે.વી.સબસ્ટેશન, ભુજ ખાતે પ્રાંત અને મામલતદાર કચેરી શહેરીનું ખાતમુહૂર્ત, પશુ રોગ સંશોધન એકમ, ભુજ મંગલમ ચાર રસ્તાથી ઉમેદનગર રોડ ફૂટપાથ અપગ્રેડેશન, લખપત તાલુકાના દયાપર ખાતે બે ચેકડેમ બનાવવાનું કામ, અંજાર તાલુકાના મારીંગણા ગામ નવીન તળાવ નિર્માણનું કામ, ગાંધીધામ ખાતે સી.સી.રોડનું કામ કરવામાં આવ્યા છે.

 કચ્છ જિલ્લા માટે રૂ.61.03 કરોડના 975 વિકાસ કામો રૂ.42.66 કરોડના 26 વિકાસકામોની ઇ-ખાતમુહુર્ત અને લોકાર્પણ

13 નવા લોકાર્પણ કામો જે પૈકી કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે ઈ-માનવ વિધાભવનનું લોકાર્પણ. નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે સીએચસીના નવા મકાનનું પણ લોકાર્પણ. મુન્દ્રા તાલુકામાં સ્ટ્રીટલાઈટની કામગીરી, બારોઇ, મુન્દ્રા, નાના કપાયા, મોટા કપાયા વગેરે જગ્યાએ સ્ટ્રીટલાઇટનું પણ લોકાર્પણ મુન્દ્રા બારોઇ કલસ્ટરમાં સી.સી.રોડનું કામ, નખત્રાણા તાલુકાના લુડબાય ગામે બે તળાવો ઉંડા કરવાનું કામ, લખપત તાલુકાના ઘડુલી ગામે પશુચિકિત્સા સંસ્થાના મકાનનું આજના દિવસે લોકાર્પણ કરાયા છે. વાત વિકાસ યાત્રાથી વિશ્વાસની હોય તો આપત્તિને અવસરમાં બદલી કચ્છે ભવ્ય પુનર્વસન કર્યુ છે. આપણા વડાપ્રધાનનરેન્દ્રભાઇએ દત્તક લીધેલા સંતાન જેવા કચ્છને વિકાસમાં વિશ્વમાં અગ્રેસર કર્યુ છે.

આ તકે અધ્યક્ષાએ કચ્છને મળનાર નર્મદાના વધારાના 1 મીલીયન એકર ફીટ પાણી માટે રૂ.4700 કરોડની ચાર લીંક કેનાલનું ખાર્તમુહૂર્ત કરવામાં આવશે જેનાથી 32 જેટલા ડેમ તળાવ ભરાશે એમ જણાવ્યું હતું. રૂ.500 કરોડ ડેમ તળાવોની સંગ્રહ શકિત વધારવા માટે ફાળવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આ તકે જણાવ્યું હતું કે, વીસ વર્ષની વિશ્વાસથી વિકાસની આ યાત્રા પ્રજાલક્ષી છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પ્રવાસન દરેક ક્ષેત્રે કચ્છનો સર્વાંગી વિકાસ થઇ રહયો છે. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કચ્છ વિકાસની તીવ્ર ગતિએ ભૂકંપથી લઇ આજ સુધીનો બે દાયકાની વિકાસયાત્રાના સૌ સાક્ષી છીએ.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન ચોપડા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજા, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર મિતેશભાઇ પંડયા, ઈન્ચાર્જ ભુજ પ્રાંત અધિકારી ડો.મેહુલભાઇ બરાસરા, ડી.આર.ડી.એ.નિયામક જી.કે.રાઠોડ, ભુજ તાલુકા વિકાસ અધિકારી વજેસિંઘ પરમાર, ભુજ તાલુકા શહેરી મામલતદાર કલ્પનાબેન ગોંદીયા, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, જિલ્લાના વિવિધ વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ, નગરજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.