છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 148 તાલુકાઓમાં મેઘમહેર: આજે પણ ભારે વરસાદની આગાહી: રાજયમાં ચોમાસાની સિઝનનો 100 ટકા વરસાદ
શ્રાવણમાં જાણે અષાઢી માહોલ હોય તેમ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. ગઈ કાલે મહેસાણા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી મોરબીમાં 5.4 બેચરાજી, રાધનપુર, વિસનગર અને ઇડર સવા ચાર ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 41.63 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 92 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમા જળાશયોની વિગતો આપતાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી છે. એટલે કે ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ સિવાય પાટણ, વિજાપુર, સરસ્વતી, અમીરગઢ, પોસિના, માણસા, જોટામા, સતલાસણા, ખેરાલુ, દાંત, વડનગર અને હિંમતનગરમાં 3 ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. શંખેશ્વર, સાંતલપુર, ઉંઝા, સિદ્ધપુર, પ્રાંતિજ, કડી, હારીજ, કલોલ, વિજયનગર, ભિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજમાં બે ઇંચથી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
માંડલ, વાવ, વડાલી, તલોદ, મોડાસા, ખેડબ્રહ્મા, દાંતીવાડા, દસાડા, ચાણસ્મા, પાલનપુર, સંતરામપુર, લાખણી, વડગામ, લુણાવાડા, કડાણા, નડિયાદ, ભુજ, વઢવાણ, સામંદ, સમી, ભચાઉ, હળવદ, ડીસા, થરાદ, વિરપુર, ધનસરુરા, સંજેલી, ધાનેરા, અમદાવાદ શહેર અને ઝાલોદમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.આ સિવાય દેહગામ, દેત્રોજ, જોડિયા, મુળી, રાપર, મહેમદાબાદ, ખાનપુર, બાલાસિનોર, મુંદ્રા, ખપડવંજ, મોરવા હડફ, લખપત, ગાંધીધામ, માતર, માલપુર, અંજાર, વિરમગાર, બાયડ, ફતેપુરા, ટંકારા, કપરાડા, બાવળા, લખતર, મહુધા, વસો અને કુકરમુડામાં અડધાથી એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો આ સિવાયના તાલુકામાં છુટોછવાયો વરસાદ ખાબક્યો હતો.
- નર્મદાના નીર ઠાલવાતા ભાદર અને આજીની સપાટીમાં વધારો
- ભાદરની સપાટી 30.65 ફુટે પહોચતા સવારે સૌનીના નીર બંધ કરાયા
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિરામ લીધો છે છતાં જળાશયોમાં ધીમી ધારે પાણીની આવક થઇ રહી છે. ભાદર અને આજી સહિતના જવાશયોમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. આજે સવારે પુરા છેલ્લા ર4 કલાક દરમિયાન ર0 જળાશયોમાં 3.44 ફુટ સુધી પાણીની આવક થવા પામી છે. સિંચાઇ વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ભાદર ડેમમાં 0.30 ફુટ, આજી-1 ડેમમાં 0.39 ફુટ, ઇશ્ર્વરીયામા: 0.16 ફુટ, ધેલા સોમનાથમાં 1.21 ફુટ, વર્તુ-ર ડેમમાં 0.30 ફુટ, વેરાડી-1 માં 0.33 ફુટ, મીણસાર (વાનાવડ)માં
0.20 ફુટ, વઢવાણ ભોગવો-ર (ધોળીધજા)માં 0.49 ફુટ, વાંસલ ડેમમાં 0.49 ફુટ, લીંબડી ભોગાવો-ર (વડોદ)માં 0.66 ફુટ, પાણીની આવક થવા પામી છે. નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. દરમિયાન સૌની યોજના અંતર્ગત ભર ચોમાસે ભાદર અને આજી સહિતના ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. દરમિયાન ભાદર ડેમની સપાટી 30.65 ફુટે પહોચી જતા આજે સવારે સૌનીના પાણી ભાદર ડેમમાં ઠાલવવાનું બંધ કરાયું છે.