- સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસુન વિડ્રોઅલ સિસ્ટમને કારણે વરસાદી માહોલ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં મેઘમહેર
- સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 3 ઈંચ, દાહોદ, આંણદ, વડોદરામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ’રાજ્યમાં ફરી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.
હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.’ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ રહેશે. ડાંગર અને કેળાના પાકને નુકસાનીની ભીતિ દેખાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ 4 દિવસ હળવો વરસાદ રહી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ કોરુ રહેવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં વિગતે વાત કરીએ તો ગઇકાલે રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરના મવડી ચોકડી, નાનામૌવા સર્કલ, કેકેવી ચોક, ઇન્દિરા સર્કલ અને નાણાવટી ચોકમાં વરસાદ પડ્યો હતો.
આ સિવાય અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. જેમાં ઈસરોલ, જીવનપુર, બોલુન્દ્રા વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો છે. વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો છે. ધોલવાણી, ખૂમાપુર, માકરોડાના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા છે. તેવી રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. હાલ હિંમતનગર, પ્રાંતિજ, વડાલી અને વિજયનગર પંથકમાં વરસાદ પડ્યો છે. આ સિવાય ઉમિયાનગર, કઠવાવડી, કાલવણ અને ખેડાસણમાં પણ વરસાદ છે. વરસાદ થતાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વડોદરા, પંચમહાલ, વડોદરા ગ્રામ્ય અને સાબરકાંઠામાં વરસાદ પડ્યો છે.
21 રાજ્યમાં વરસાદ, 15માં રેડ એલર્ટ
અચાનક બદલાયેલા હવામાનથી બુધવારે દેશભરમાં દશેરા ઉત્સવ પર મેઘમહેર થઈ. ઉત્તરમાં દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશથી માંડીને દક્ષિણમાં આંધ્રપ્રદેશ સુધી આશરે 20 રાજ્યોમાં બપોરે ઝડપી વરસાદ નોંધાયો. જેના લીધે અનેક જગ્યાએ દશેરા મેદાનમાં સ્થાપિત રાવણનાં પૂતળાં પણ પલળી ગયાં હતાં. હવામાન વિભાગ અનુસાર આંધ્ર કિનારાથી દૂર પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર લો પ્રેશરઝોન સર્જાતા દેશના અનેક ભાગોમાં અચાનક હવામાનમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન ધીમી ગતિએ ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેના લીધે પૂર્વના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2-3 દિવસ દેશનાં 17 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની વકી છે.