આજે છુટા છવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના: મહત્તમ તાપમાનમાં હવે ક્રમશ: વધારો થશે
રાજ્યના 26 તાલૂકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવા ઝાપટાથી લઇ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી ગરમીનું જોર વધશે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનીક સરક્યુલેશનની અસરના કારણે છેલ્લા ત્રણેક દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. સવારે અનેક સ્થળોએ વાદળર્છાંયુ વાતાવરણ છવાયેલું રહ્યું હતું. આવતીકાલથી વાતાવરણ સંપૂર્ણપણે ક્લિયર થઇ જશે. ગઇકાલે સાવરકુંડલાના વીજપડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં લાખણી અને અમીરગઢ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.
અંબાજી, સિધ્ધપુર, ઇડરમાં રોડ પર વરસાદના પાણી ચાલવા માંડ્યા હતાં.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર રેકોર્ડ પર આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના વાવમાં સૌથી વધુ એક ઇંચ અને થરાદમાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાલોદ, અમીરગઢ, લખાણી, ધનેરા, રાપર, સિધ્ધપુર, વિજયનગર, દ્વારકા, વડગામ, દાંતીવાડા, સુઇગામ, જામજોધપુર, ખંભાળીયા, દેહગામ, ઇડર, ખેડબ્રહ્મા, પોસીના, મોડાસા, મહેમદાવાદ, ભાણવડ, મહેસાણા, પાલનપુર, ખેડા અને ચૂડામાં હળવા ઝાપટા પડ્યા હતાં. આજથી વાતાવરણ ક્લિયર થઇ જશે. કાલથી ગરમીનું જોર વધશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.