શું તોગડીયાએ ધારાસભાની ચૂંટણીમાં ભાજપનો ખેલ પાડેલો?
હાર્દિક અને અર્જૂન મોઢવાડીયાનું મળવું એ ભાજપની ભગીની સંસ્થામાં તિરાડ?
હિન્દુ સમ્રાટનું બિરુદ ધારણ કરનાર વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયાના વળતા પાણી શરૂ થયા હોય તેવું જણાય રહ્યું છે. અત્યાર સુધી હિન્દુઓના સહકારને સુરક્ષા સમજનાર તોગડીયા એકાએક અસુરક્ષા અનુભવવા લાગ્યા હોય તેના અનેક કારણો છે. ધારાસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન કરવા માટે કરેલા પ્રયાસોના ફળ હવે તોગડીયા ભોગવી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
એન્કાઉન્ટર થવાના ડર માત્રથી રડી પડનાર તોગડીયા હવે કયા મોઢે આગ ઝરતા ભાષણો કરી શકશે ? શું એન્કાઉન્ટરનો ફફડાટ તેમના માથા પરનો હિન્દુ સમ્રાટનો તાજ છીનવાઈ જશે તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. એકાએક સ્વસ્થ થઈ ગયેલા તોગડીયાએ હોસ્પિટલમાંથી બહાર નીકળતાની સાથે જ કેન્દ્રના ઈશારે પોતાની સામે ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
તોગડીયા સારવાર લઈ રહ્યાં હતા ત્યારે હાર્દિક પટેલ અને કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાએ તેમની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ તોગડીયાની નજીક જતા ભાજપની ભગીની સંસ્થા જેવી ગણાતી વિશ્ર્વ હિન્દુ પરિષદ સાથે સંબંધો બગડશે તેવી શકયતા છે. એક સમયે ‘હિન્દુઓના કામ માટે જેલમાં જવાનું હોય તો હું જેલમાં જવા તૈયાર છું, દુનિયાની કોઈપણ જેલ મને લાંબો સમય સુધી રાખી શકે નહીં, કારણ કે મારી પાછળ હજ્જારો હિન્દુઓની લાગણી છે’ તેવું હિન્દુઓના ટેકાનું અભિમાન વ્યકત કરનાર તોગડીયા એકાએક અસુરક્ષા અનુભવવા લાગ્યા છે. જેનાથી તેમના ભાષણો સાંભળી ગર્વની લાગણી અનુભવનાર અનેક હિન્દુઓ હવે શર્મસાર બન્યા છે.
તોગડીયા મુળ અમરેલીના છે અમરેલીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. અમરેલી સહિતના ક્ષેત્રમાં ભાજપના નબળા પ્રદર્શન પાછળ તોગડીયાનો હાથ હોવાનું ચર્ચાઈ છે. માટે તોગડીયાને હવે કદ પ્રમાણે વેંતરવાનું શરૂ થયું છે. વિહીપના હજારો કાર્યકરો સુપ્રીમોના એક આદેશ પાછળ કારાવાસ ભોગવી ચૂકયા છે. અનેક કાર્યકરો હજુ પણ જેલમાં છે. ત્યારે માત્ર પોલીસ દરવાજે ઉભી હોય અને તોગડીયાના પગ ધ્રુજવા લાગે તેવી વાત તુરંત ગળે ઉતરતી નથી.
આજ સુધી વિશ્ર્વ હિન્દુ પરિષદથી દૂર રહેનાર કોંગ્રેસના નેતાઓ એકાએક તોગડીયા પ્રત્યે કુણુ વલણ દાખવવા માંડે તે પણ રાજકારણનો નવો અંદાજ છે. તોગડીયાએ હજુ સુધી પાવર ગેમને પોતાના હાથમાં રાખવા મરણતોલ પ્રયાસો કર્યા છે. જ્ઞાતિવાદનું રાજકારણ કર્યું છે. હવે પાવર ગેમથી તોગડીયાના હાથ બળી રહ્યાં છે. ભાજપને દબાવવાના પ્રયાસોના માઠા પરિણામો તોગડીયાને ભોગવવા પડશે તેવું ચર્ચાઈ રહ્યું છે. વજન ટકાવી રાખવા માટે તોગડીયાએ ભજવેલા ડ્રામા પાછળની સચ્ચાઈ લોકો સમક્ષ આવી ચૂકી છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ હવે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ જે.કે.ભટ્ટ દિલ્હીમાં બેઠા-બેઠા તેમના બોસ નરેન્દ્ર મોદીને ઈશારે મને ફસાવવાનું ષડયંત્ર ઘડી રહ્યાં છે.
તોગડીયાએ જે.કે.ભટ્ટના કોલ ડિટેઈલ્સની ચકાસણી કરવાની માંગણી કરી છે. તોગડીયાએ અહીંથી તેમનો સુર બદલ્યો છે. સવારે બે વાગ્યે પુછપરછ કરવા માટે કોલ કર્યો હોવાની વાત તેમણે કહી છે. તેમને પરેશાન કરવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તોગડીયાના આક્ષેપો બાદ હવે ક્રાઈમ બ્રાન્ચ પણ મેદાનમાં ઉતરશે. તોગડીયાનું તરકટ ખુલ્લુ કરવા ક્રાઈમ બ્રાંચે કામગીરી શરૂ કરી છે. ચર્ચા મુજબ ૧૧ કલાક રહસ્યમય રીતે ગુમ રહેનાર તોગડીયાએ કરેલા આક્ષેપોનો જવાબ ક્રાઈમ બ્રાંચ આપશે. સીસીટીવી ફૂટેજના આધારે બોલાવેલા સાક્ષી પણ હજુ સુધી ક્રાઈમ બ્રાંચે પહોંચ્યા ન હોવાનું જાણવા મળે છે.
તોગડીયાના નાટક પાછળની કઈ અસુરક્ષાની લાગણી છે તેના પરથી ધીમે ધીમે પડદો ઉંચકાશે.