મહામારીને ધ્યાને લઈને હજુ ૩૦ જૂન સુધી ભાવિકો માટે મંદિરનાં દ્વાર નહિ ખૂલે: મંદિર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય
જૂનાગઢના ભેસાણ નજીક આવેલ સૌરાષ્ટ્રના પાવન પવિત્ર જગવિખ્યાત પરબધામ મંદિરના મહંત કરશનદાસ બાપુ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અનલોક દરમિયાન પણ આગામી તા. ૩ જૂન સુધી ભાવિકો, સેવકો માટે મંદિરના દ્વારા નહીં ખૂલે તથા આ વર્ષે અષાઢી બીજનો મેળો પણ કોરોના સંક્રમણને ધ્યાને રાખી નહીં યોજવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે.
ભેસાણા નજીકના પરબધામના મહંત કરશનદાસબાપુ દ્વારા ગઈકાલે મંદિરની કમિટી, સેવકો, સાધુઓની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં બાપુએ હાલની કોરોના મહામારીને લઈને કોઈ સંક્રમણ ન થાય તે માટે દર વર્ષે યોજાતો અષાઢી બીજનો મેળો નહીં યોજવા માટે જણાવતા ઉપસ્થિત તમામ લોકોએ બાપુની આ મહત્વના નિર્ણયને વધાવી લીધો હતો, જેને લઇને આગામી અષાઢી બીજે પરબધામ ખાતે યોજાતો અષાઢી બીજનો મેળો આ વર્ષે કોરોનાના કારણે યોજાશે નહીં.
આ ઉપરાંત પરબધામના સાધુ નલિનદાસ ગુરુ કરસનદાસના જણાવ્યા અનુસાર હાલમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ છે અને સરકાર દ્વારા અન લોક જાહેર કરી, ગત તારીખ ૮ જૂનથી મંદિર ખોલવાની મંજૂરી આપવામાં આવેલ છે, પરંતુ પરબ ધામના મહંત કરશનદાસ બાપુ દ્વારા કોરોના સંક્રમણ ન વધે અને ભાવિકો મોટી સંખ્યામાં મંદિરમાં ન ઉમટી પડે તે માટે આગામી ૩૦ જુન સુધી પરબધામ ભાવિક અને સેવક માટે બંધ રાખવામાં આવેલ હોવાનું જણાવેલ છે.