વિદ્યાર્થીઓની બાકી ફી વસુલવા માટે હવે ખાનગી સ્કૂલો પોતાની રીતે કાર્યવાહી કરી શકશે: સુપ્રીમ કોર્ટ

છેલ્લા દોઢ વર્ષથી કોવિડ-19ની મહામારીના કારણે સ્કૂલો સદંતર બંધ હતી ત્યારે આ મહામારી દરમિયાન દેશભરમાં ઓનલાઈન એજયુકેશન આપવામાં આવી રહ્યું હતું ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે, જેઓ વર્ષ 2019-20 અને 2020-21ની ફી ભરી શકવા સક્ષમ ન હતા. ત્યારે સુપ્રીમ કોર્ટે સ્કૂલોને ફી વસુલ ન કરવાના કારણે કોઈપણ વિદ્યાર્થીને આવતા વર્ષમાં પ્રવેશથી વંચિત રાખવા માટે આદેશ સાથે સ્પષ્ટીકરણ ર્ક્યું હતું કે, સ્કૂલનું તંત્ર એવા તમામ વિદ્યાર્થીઓ કે જેઓની ફી બાકી હોય તેને વસુલવા પોતાની રીતે કાર્યવાહી કરી શકશે. એટલે કે, સ્કૂલોને ફી વસુલવાનો “અબાધિત” અધિકાર છે.

ન્યાયમુર્તિ એ.એમ. ખાનવીલકર અને સી.ટી. રવિકુમારની ખંડપીઠે વાલીઓ તેમજ આશ્રીતો દ્વારા કરવામાં આવેલી વિનંતીઓ પર વિચાર કરવા શાળા સંચાલકોને સ્વતંત્ર્તા આપી છે. આ ઉપરાંત તેઓ અમુક માન્ય એવા કારણોસર કેટલીક છુટછાટો પણ માગી રહ્યાં છે. કેમ કે, 3 મે 2021ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં જે વિદ્યાર્થીઓ ફી ભરવામાં નિષ્ફળ ગયા છે તે વિદ્યાર્થીઓ પાસેથી હવે શાળા સંચાલકો કોઈપણ વૈકલ્પીક રૂપે ફી વસુલી શકશે.

તાજેતરમાં આવેલી રાજસ્થાન પ્રોગ્રેસીવ સ્કૂલની અરજી મુજબ રાજસ્થાન સરકારના આદેશને પડકારતી અપીલો દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્યની સીબીએસઈ શાળાઓને વાર્ષિક શાળા ફીના માત્ર 70 ટકા અને રાજ્ય બોર્ડની શાળાઓને વાર્ષિક શાળા ફીના માત્ર 60 ટકાની જ મંજૂરી આપી હતી.  ન્યાયમુર્તિ ખાનવીલકરની આગેવાની હેઠળની ખંડપીઠે મે મહિનામાં આદેશ ર્ક્યો હતો કે, શાળાઓને ટ્યુશન ફી વસુલવાની મંજૂરી આપી હતી. જેથી ઓવરહેટસ અને ઓપરેટીંગ ખર્ચના કારણે બચત માટે 15 ટકા રાહત આપવામાં આવે. કોર્ટે ફી ભરવા માટે 6 માસીક હપ્તા મંજૂર ર્ક્યા હતા. જ્યારે હવે સુપ્રીમ કોર્ટે 1 ઓકટોબર 2021માં આદેશ કરી સ્પષ્ટતા કરી હતી કે, અગાઉના ચુકાદામાં આપેલ આદેશની ભાવના વાલીઓને હપ્તા દ્વારા ફી ચૂકવવા માટેનો સમય આપવામાં આવ્યો હતો અને હવે કોઈપણ વાલી ફીની રકમ ચૂકવવા માટે બાકાત નહીં રહી શકે.

ખંડપીઠના જણાવ્યા મુજબ અગાઉના ચુકાદામાં હપ્તા ભરવાની છેલ્લી તારીખ સમાપ્ત થઈ ચૂકી છે અને તેમ છતાં ઘણા વાલીઓ એવા છે કે જેઓએ હજુ ફી ભરી નથી. આવા તમામ વાલીઓ પાસેથી ફી વસુલવા હવે શાળા સંચાલકો પોતાની રીતે કાર્યવાહી કરી શકશે.

સુપ્રીમ કોર્ટે 3 મે 2021ના આદેશ મુજબ જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી પ્રવૃતિઓ અને સુવિધા માટે ફીની માગ કરી રહી છે જે નફાકારક અને વ્યાપીકરણ જેવી રકમ છે જે લોકડાઉનના કારણે તેમના દ્વારા લેવામાં આવી નથી. અગાઉના શૈક્ષણિક વર્ષ દરમિયાન ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવ્યા હતા તે બાબતની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, શાળાઓ ઓવરહેડ ઓપરેટીંગમાં 15 ટકા જેટલી બચત કરશે જેથી તેઓએ વાર્ષિક શાળા ફીમાં પણ ઘટાડો કરવો પડશે અને શાળાઓ સ્વૈચ્છીક રીતે ફી ઘટાડવા મામલે કોર્ટે જણાવ્યું હતું. જો કે ઘણા વિદ્યાર્થીઓની ફી બાકી હોય આ ચાલુ વર્ષથી ખાનગી શાળાઓ પોતાની રીતે ફી વસુલી શકશે.

ખાનગી શાળાઓ ફી ઉપર જ નિર્ભર છે: જતિન ભરાડ

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજકોટ ભરાડ સ્કૂલના સંચાલક ડો.જતિન ભરાડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા અને પંજાબ હાઈકોર્ટ દ્વારા  ખાનગી શાળાઓ પુરેપુરી ફી વસુલી શકશે તેવો નિર્ણય આપવામાં આવ્યો હતો. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે પણ નિર્દેશ જારી ર્ક્યો છે કે, ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી પુરી ફી વસુલી શકશે તો આ નિર્ણય ખુબ આવકારદાયક છે કેમ કે, ખાનગી શાળાઓને ચલાવવા માટે રાજ્ય સરકાર કેે અન્ય કોઈની ગ્રાન્ટ આવતી નથી. ખાનગી શાળાઓ ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓની ફી ઉપર જ નિર્ભર છે અને વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈને બાળકોને શિક્ષણની સાથે અન્ય પ્રવૃતિઓ પણ કરાવે છે. એટલે હવે આ જે નિર્ણય જારી ર્ક્યો છે તે ખુબ આવકારદાયક કહી શકાય.

મહામારીનો ભોગ બનનાર વાલીઓને ખાનગી શાળા મદદ કરે જ છે: ભરત ગાજીપરા

રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના મહામંત્રી ડો.ભરતભાઈ ગાજીપરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલોએ ફી વસુલવી તે અબાધિત અધિકાર જ છે. કોરોનાની મહામારીમાં પેંડામીકનો ભોગ બન્યા છે તેને શાળાઓ પુરી મદદ કરે છે પરંતુ જે વાલીઓ એવા છે કે, જેઓએ ત્રણ-ત્રણ વર્ષની ફી નથી ભરી તો વાલીઓ પોતે સમજીને શાળાએ આવી પોતાનો પ્રશ્ર્ન કહે તો અમે તેઓને ફીના હપ્તા કરીને પણ મદદ કરી શકીએ તેમ છીએ. હાલમાં પણ છેલ્લા બે વર્ષની ફી બાકી હોય તેવા 15 થી 20 ટકા વિદ્યાર્થીઓ છે. છતાં ખાનગી સ્કૂલો આગળ પણ તેઓને મદદ કરશે જ અને તેમના બાળકનું ભવિષ્ય ન બગડે તેના માટે પણ વિચારશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.