અનેક વેપારીઓને ડરાવી ધમકાવી લાખો રૂપિયા પડાવનાર વિપુલ સુસરા આણી ટોળકી પર લગામ લગાવવી જરૂરી

રાજકોટમાં લુખ્ખા તત્વોનો રંઝાળ સતત વધી રહ્યો છે. શાંત અને સુરક્ષિત રાજકોટનું સૂત્ર હવે લુખ્ખાઓને લીધે વિસરાતું જઈ રહ્યું છે. લુખ્ખાઓ યેનકેન પ્રકારે માથાકૂટ કરી વેપારીઓ પાસે બેફામ ખંડણીની માંગણી કરી રહ્યાના દાખલા સામે આવી રહ્યા છે. તેવા જ એક આવારા તત્વ વિપુલ સુસરાના કારનામાં સામે આવ્યા છે. વિપુલ સુસરા આણી ટોળકીને ખાખીનો પણ ખોફ ન હોય તે રીતે પોલીસ ખાતામાં અરજી થયાં બાદ પણ સતત એક ડેરીના ધંધાર્થી પાસે રૂપિયાની માંગણી ચાલુ રાખતા વેપારી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના એક નવા ભળેલા વિસ્તારમાં ખુબ નામના ધરાવતી એક ડેરીમાંથી 10 કિલો ઘોરવું લઇ ગયાં બાદ ચોક્કસ કલાકો પછી પરત આવી ઘોરવામાંથી ગરોળીની પૂંછડી નીકળી છે તેવું કહી વિપુલ સુસરા આણી ટોળકીએ વેપારી સાથે માથાકૂટ આદરી હતી. વેપારીએ નવું ઘોરવું આપી દેવાની વાત કરતાં ’હવે 10 કિલો ઘોરવાના બદલે 10 લાખ દેવા જોશે’ તેવું કહી વિપુલ સુસરા આણી ટોળકીએ તેની મોડાસ ઓપરેન્ડી અનુસાર વેપારીને ધકાવવાનું શરૂ કર્યું હતું.

લુખ્ખાઓના ત્રાસથી ડઘાઈ ગયેલા વેપારીને હૃદયરોગનો દુખાવો શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. જે બાદ પણ લુખ્ખાએ પૈસાની સતત ઉઘરાણી ચાલુ રાખી હતી. જે બાદ વેપારીએ પોલીસ ખાતામાં અરજી કરતાં અકડાયેલો વિપુલ સુસરા ડેરી ખાતે ધસી આવ્યો હતો અને ’તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા લાગ, પૈસા તો દેવા જ પડશે’ તેવું કહી બેફામ ગાળો ભાંડી હતી. આ લુખ્ખાને તો ખાખીનો પણ ખોફ નથી તેવી રીતે વિપુલ સુસરાએ પોલીસને પણ બેફામ ગાળો ભાંડી હતી.

સુસરાએ આવો કારનામો પ્રથમ વાર નથી કર્યો. અગાઉ પણ અનેક વેપારીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા છે. સુસરાએ અગાઉ તો ફકત વાહનો અથડાવી લાખો રૂપિયા સમાધાન પેટે કટકટાવ્યા છે. આજ સુધી કોઈ જ સામે નહીં પડતા વિપુલ સુસરા નામના લુખ્ખાની હિંમત વધી ગઈ છે.

વિપુલ સુસરાએ અનેક વખત આવા તરકટ રચી પૈસા પડાવ્યાના અનેક દાખલા હોવા છતાં હજુ સુધી સુસરા વિરુદ્ધ કેમ કોઈ નક્કર કાર્યવાહી ન થઇ તે મોટો સવાલ છે. શું સુસરાને કોઈ મોટા માથાનું પીઠબળ છે? જે દરેક વખતે સુસરાને છાવરી લે છે કે પછી બીજું કંઈ? તે પણ એક સવાલ છે.

તોડ માટે વપરાશમાં લેવાતી કાળા રંગની સ્કોર્પિયો કાર કોઈ મૃતકના નામે રજીસ્ટર્ડ?

IMG20230809201550

વિપુલ સુસરા આણી ટોળકી જે સ્કોર્પિયો કાર તોડ માટે વાપરે છે તે શહેરના 150 ફૂર રોડ પર ગોવર્ધન ચોકથી આગળ પુનિતનગર તરફ જવાનાં માર્ગે રેઢી પડી રહે છે અને સ્થાનિક વર્તુળોના જણાવ્યા અનુસાર આ કાર કોઈ મૃતકના નામે રજીસ્ટર્ડ છે જેથી કાલે તોડ કરવા જતાં કંઈક ઊંધુ ઉતરે તો પોતે ફિટ ન થાય તેના માટે વિપુલ આણી ટોળકીએ આ કાર પોતાના ઉપયોગ માટે રાખી છે. સામાન્ય રીતે આ કાર ધૂળ ખાતી પડી હોય છે પણ જયારે કાંડ કરવા જવાનું હોય ત્યારે આ કારનો ઉપયોગ કરવામાં આવે છે તેવું જાણકારો કહી રહ્યા છે.

‘પોલીસ મારૂ કંઈ તોડી નહીં લે’ કહી ખાખીને બેફામ ગાળો ભાંડનાર લુખ્ખાની શાન ઠેકાણે પાડવી ખુબ જરૂરી

વિપુલ સુસરાને જાણે ખાખીની સહેજ માત્ર પણ ખોફ ન હોય તેવી રીતે અરજી થયાં બાદ પણ ડેરી સંચાલકને ત્યાં ધસી જઈ વેપારીને બેફામ ગાળો અને ધમકી આપ્યા બાદ વિપુલ સુસરાએ ભરબજારે પોલીસને પણ બેફામ ગાળો ભાંડી હતી. કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો પોલીસ ખાતાને આપી વિપુલ સુસરાએ કહ્યું હતું કે, પોલીસ મારું કંઈ તોડી નહીં લે એટલે તારે જેની પાસે જવું હોય ત્યાં જજે, મને કંઈ ફર્ક પડતો જ નથી. હવે આ લુખ્ખો જો ભરબજારે પોલીસને ગાળો ભાંડતો હોય તો તેની હિંમતની કલ્પના લરી શકાય છે. આ લુખ્ખાને પોલીસે કડવાણી ચખાવી શાન ઠેકાણે પાડવી ખુબ જરૂરી છે.

વિપુલ સુસરા આણી ટોળકીથી ત્રસ્ત હોય તો ‘અબતક’નોસંપર્ક  કરવો : અમે બનીશું આપનો અવાજ

વિપુલ સુસરા આણી ટોળકીએ અસંખ્ય લોકોને ડરાવી-ધમકાવી લાખો રૂપિયા પડાવ્યા છે. વિપુલના ત્રાસથી પરેશાન લોકો અબતક મીડિયાનો ’9426672303’ નંબર પર સંપર્ક કરી શકે છે. અમે વિપુલ સુસરા આણી ટોળકીના ત્રાસનો ભોગ બનેલા લોકોનો અવાજ બનીશું અને ન્યાય અપાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું.

 ‘તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા લાગ, પૈસા તો દેવા જ પડશે’

પોલીસ ખાતામાં પોતાની વિરુદ્ધ થયેલી અરજીથી રઘવાયા થયેલા વિપુલ સુસરા આણી ટોળકી વધુ એકવાર ડેરી ખાતે ધસી ગઈ હતી. સફેદ રંગની વરના કાર લઈને આવેલા વિપુલ સુસરાએ ડેરી સંચાલકને ધમકી આપી હતી કે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા લાગ, કોઈ મારું કંઈ પણ તોડી નહીં લે… આ પ્રકારના શબ્દો કહી તારે પૈસા તો આપવા જ પડશે નહીંતર માર ખાવા માટે તૈયાર જ રહેજે… તેવી ધમકી વિપુલ સુસરાએ ડેરીના વેપારીને આપી હતી. આ સમગ્ર ઘટનાના આસપાસના વેપારીઓ તાજના સાક્ષી બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.