સાતમુ પગારપંચ, કોમન કેડર મુદ્દે નગરપાલિકાના કર્મચારીઓ લડી લેવાના મુડમાં: સામુહિક હડતાલનો આજે બીજો દિવસ
ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સાતમાં પગારપંચ, કોમન કેડર અને રોજમદારોને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી મુદ્દે ગઈકાલથી શ‚ થયેલી રાજયવ્યાપી હડતાલ આજે બીજા દિવસમાં પ્રવેશી છે ત્યારે આગામી ૧લી જુલાઈથી આ હડતાલને અચોકકસ મુદતની હડતાલમાં પરિવર્તિત કરવાની મહામંડળના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજયની ૧૬૨ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાતમુ પગારપંચ, કોમન કેડર અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા સહિતની પડતર માંગણીઓ મુદ્દે અનેક રજુઆતો કરવા છતા ઉકેલ ન આવતા તા.૨૧ થી ૨૩ જુન સુધી સમગ્ર રાજયની નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સામુહિક હડતાલનો માર્ગ અપનાવાયો છે. જેમાં ગત તા.૨૦ના રોજ સરકારના પ્રતિનિધિ સાથે વાટાઘાટો કરવા છતા કર્મચારી મહામંડળને લેખિત ખાતરી ન અપાતા સામુહિક હડતાલ પર ઉતરી ગયેલા નગરપાલિકાના કર્મીઓએ સફાઈ, પાણી અને લાઈટની વ્યવસ્થા ઠપ્પ કરી દઈ ત્રણ દિવસની હડતાલ અને ત્રણ દિવસની જાહેર રજાને કારણે સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કર્યો છે.
બીજી તરફ હડતાલના પહેલા દિવસે જ મોરબી સહિતની રાજયની ૧૬૨ નગરપાલિકાઓમાં લોકોની પ્રાથમિક સુવિધા એવી પાણી, સફાઈ અને રોશનીની વ્યવસ્થાને માઠી અસર વર્તાવાનું શ‚ થયું છે અને હજુ આ હડતાલ આગામી પાંચ દિવસ સુધી ચાલનાર હોય લોકોની મુશ્કેલી વધે તેમ છે. દરમિયાન ગુજરાત રાજય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કર્મચારીઓની હડતાલના પહેલા દિવસથી જ પ્રજાકીય સેવાઓને માઠી અસર પહોંચી છે. જો સરકાર દ્વારા નગરપાલિકાના કર્મચારીઓની માંગણી પ્રત્યે હજુ પણ ધ્યાન નહી આપવામાં આવે તો આગામી ૧લી જુલાઈથી કર્મચારી મહામંડળ દ્વારા જયાં સુધી માંગણી પૂર્ણ ન થાય ત્યા સુધી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જવા નિર્ણય કરાયો છે.
વધુમાં નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાજયના મોટાભાગના બોર્ડ નિગમોને ૭માં પગારપંચનો લાભ આપી દેવાયો છે. ત્યારે માત્રને માત્ર પીજીવીસીએલ અને નગરપાલિકા જેવી બે ચાર સ્વાયત સંસ્થાઓને જ શા માટે લાભથી વંચિત રાખવામાં આવવી રહ્યા છે તે સમજાતું નથી. આ સંજોગોમાં સરકારની હઠાગ્રહભરી નીતિને કારણે રાજયની ૧૬૮ નગરપાલિકા વિસ્તારના પ્રજાજનોને આ હડતાલથી સહન કરવાનો વારો આવ્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે.