છેલ્લા દસ વર્ષમાં નોન-ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂશનનો વિશ્વનો સૌથી મોટો રાઈટસ ઇશ્યૂ: ૧.૫૯ ગણો છલકાયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતના સૌથી મોટા રૂા.૫૩,૧૨૪.૨૦ કરોડના રાઈટસ ઇશ્યૂને સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. રાઈટસ ઇશ્યૂ ૧.૫૯ ગણો છલકાઈ ગયો છે, જેમાં રૂા.૮૪,૦૦૦ કરોડથી વધુની રોકાણ પ્રતિબદ્ધતા પ્રાપ્ત થઈ છે. રાઈટસ ઇશ્યૂમાં લાખો નાના રોકાણકારો અને હજારો ભારતીય તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારો સહિતના રોકાણકારોએ અભૂતપૂર્વ રસ દાખવ્યો હતો. આ ઇશ્યૂનો પબ્લિક પોર્શન ૧.૨૨ ગણો છલકાયો હતો. ઇક્વિટી શેર્સનું એલોટમેન્ટ ૧૦ જૂન ૨૦૨૦ કે તેની આસપાસ કરવામાં આવશે. રાઈટસ શેરનું બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ અલગ આઈએસએનઆઈ હેઠળ ૧૨મી જૂન કે તેની આસપાસ થાય તેવી ધારણા છે. વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ કમ્યુનિકેશન દ્વારા કંપનીએ રાઈટસ ઇશ્યૂ પ્રત્યેની જાગૃતિ લાવવા માટે નવીન અભિયાન હાથ ધર્યું હતું. તેમાં ટેલિવિઝન, રેડિયો, પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ્ડ ચેટબોટનો પહેલીવાર ઉપયોગ કરીને, ઇ-મેઇલ્સ અને એસએમએસ દ્વારા શેરહોલ્ડર્સ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાઈટસ એન્ટાઇટલમેન્ટનું સક્રિય ટ્રેડિંગ થવાના પરિણામે આ રાઈટસ ઇશ્યૂમાં રોકાણકારોએ મોટાપાયે રસ લીધો હતો. જ્યારથી સેબીએ આ પ્લેટફોર્મ રોકાણકારો સમક્ષ મુક્યું છે અને તે સફળ રહ્યા બાદ ડિમેટ સ્વરૂપમાં આરઈનું ટ્રેડિંગ થયું હોય તેવો આ પહેલો કિસ્સો છે.
આરઆઈએલના રાઈટસ ઇશ્યૂનું સૌથી અનોખું પાસું એ છે કે કોવિડના પરિણામે લોકડાઉન હોવાના કારણે જે મુશ્કેલીઓ પ્રવર્તતી હતી તેમ છતાં સીમાચિહ્નરૂપ આ ઇશ્યૂનું સંચાલન ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે. અને ભારતીય તથા વૈશ્વિક બજારના ઇતિહાસમાં આ એક રેકોર્ડ તરીકે નોંધાયો છે. ભારતના ૮૦૦ શહેરોમાં પથરાયેલા સ્ટેક હોલ્ડર્સ, વિદેશમાં આવેલા ફાઇનાન્શિયલ સેન્ટર્સ – રેગ્યૂલેટર્સ, બેન્કર્સ અને નાણાકીય સંસ્થાઓએ તેમના ઘર કે ઓફિસમાંથી બહાર નીકળવાની જરૂર પડી નથી અને રાઈટસ ઇશ્યૂ સંબંધિત તમામ કામગીરી સરળતાથી અને મહત્તમ કાર્યક્ષમતાથી પાર પડી હતી. આ કામગીરી માત્ર ઊભરી રહેલા ડિજિટલ યુગની તાકાત માત્ર જ નહીં, પરંતુ આ યુગનું ભારત નેતૃત્વ લઈ શકે છે અને નવી પહેલ કરી શકે છે તે પણ સાબિત કરી આપ્યું છે. રાઈટસ ઇશ્યૂની સફળતા અંગે ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “આ રાઈટસ ઇશ્યૂમાં ભાગ લેવા બદલ અને ભારતના મૂડી બજારના ઇતિહાસમાં એક નવું અને ગર્વપૂર્ણ સિમાચિહ્ન પ્રસ્થાપિત કરવા બદલ પ્રિય અને આદરણીય શેરધારકોનો હું આભાર માનું છું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણીના સમયથી અમારા શેરધારકો અમારી શક્તિનો સૌથી મોટો સ્ત્રોત રહ્યા છે. દાયકાઓ જૂના અમારા વિશ્વાસ આધારીત સંબંધે અમને વધારે પ્રાપ્ત કરવા માટે સતત પ્રોત્સાહિત કર્યા છે. રિલાયન્સના ભવિષ્યમાં તેમણે દર્શાવેલા અભૂતપૂર્વ વિશ્વાસ બદલ અમે આનંદિત છીએ અને વિનમ્ર છીએ. અમારા વિઝનનું મૂળ હંમેશા ભારતના સમાવેશી અને ઝડપી વૃધ્ધિને આગળ ધપાવવામાં રહેલું છે, જેને ૧.૩ અબજ ભારતીયોના જીવનને સુધારવામાં મદદરૂપ થનારી ડિજીટલ ટેકનોલોજીને અપનાવવાથી બળ મળશે. રાઈટસ ઇશ્યૂમાં દર્શાવવામાં આવેલા પ્રચંડ વિશ્વાસે અમને માનવા પ્રેર્યા છે કે આ વિઝન અને મિશનને અમારા શેરધારકોનું સમર્થન છે. અમે જ્યારે નવા ભારત માટે નવા રિલાયન્સનું નિર્માણ કરવા દૃઢતાપૂર્વક સજ્જ છીએ ત્યારે આ સમર્થન અમારા નિર્ણયને વધારે સુદૃઢ બનાવે છે. મૂકેશ અંબાણીએ ઉમેર્યું હતું કે, “કોવિડ-૧૯ના કારણે જરૂરી બનેલા લંબાણપૂર્વકના લોકડાઉનના સંદર્ભે જોતાં આર.આઇ.એલ.ના રાઈટસ ઇશ્યૂને મળેલી સફળતા પણ સ્થાનિક રોકાણકારો, વિદેશી રોકાણકારો અને ભારતીય અર્થવ્યવસ્થાની મૂળભૂત તાકાત રહેલા નાના રીટેલ શેરધારકો દ્વારા મળેલું સમર્થન છે. મને એ વિશે કોઇ જ શંકા નથી કે આગામી સમયમાં ભારતીય અર્થતંત્ર ઉચ્ચ વૃધ્ધિના માર્ગે પાછી ફરશે અને ભારતને વિશ્વમાં અગ્રણી ડિજીટલ રાષ્ટ્ર બનાવશે.