ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 4 વર્ષમાં 16,563 કરોડના વિકાસ કામો કરાયાં
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 360 કરોડના વિકાસલક્ષી વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ છારોડી ખાતે કરવામાં આવ્યા હતા.
અમિત શાહે કહ્યું કે અન્ય રાજ્યોમાં 25 – 50 કરોડના કામો થાય તો પણ મોટી ઘટના ગણાય છે. જ્યારે આજે ભુપેન્દ્રભાઈ પટેલ 360 કરોડના કામોની ભેટ આપી છે. ગુજરાતમાં એક પણ મહિનો એવો નથી ગયો કે જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સો કરોડના કામોના લોકાર્પણ કે ખાતમુહૂર્ત ન થયા હોય. તેઓ કહ્યું કે ચાર વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ 16,563 કરવાના કામો પૂર્ણ અને ચાલુ થયા છે. જે પૈકી 13000 કરોડના કામો પૂર્ણ થયા છે અને બીજા 2000 કરોડના કામો ચાલુ થયા છે આમ કુલ પાંચ વર્ષમાં 18000 કરોડના કામો થયા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઓછું બોલવું અને વધુ કામ કરવું ની પ્રકૃતિ અપનાવી છે. જે કંઈ કામનું સુઝાવ આપવામાં આવે તેમના ત્વરિત નિર્ણય લઈને અમલવારી કરવામાં આવે છે. તેઓ કહ્યું કે આજે 25 કરોડની લાગતથી ચાંદલોડિયામાં સુએજ પંપીંગ સ્ટેશન, નારણપુરામાં જીમનેશયમ અને પુસ્તકાલય અને છારોડીમાં તળાવના કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત 35 કરોડના ખર્ચે થયેલા ખાતમુહૂર્તમાં વાડજમાં રેન બસેરા, ગોતામાં નવું ફાયર સ્ટેશન અને ક્વાટર, ચાંદલોડિયામાં 2501 પરિવારને પોતાનું ઘર, પાંચ કરોડના ખર્ચે થલતે તળાવના સૌંદર્યકરનનું ભૂમિ પૂજન સહિતના પ્રકલ્પો સામેલ છે.
શાહે ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરમાં કુલ 48000 ગરીબો માટે ઘર બની રહ્યા છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે આજે જ અમુલ ડેરીમાં ઓર્ગેનિક ફૂડના પ્રમાણિકરણ માટે અત્યાધુનિક પ્રયોગશાળાની પણ શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે ઓર્ગેનિક ઉત્પાદનોને સર્ટિફિકેટ આપી શકાશે, લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે આ પ્રયોગશાળાને કારણે સારા ભાવો પણ તેઓને મળશે અને નાગરિકોને ફર્ટિલાઇઝર યુક્ત ખોરાકમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત ચાંદખેડા ખાતે નાગરિકોની સુવિધામાં રૂ 103 કરોડના ખર્ચે 321 જેટલી એસટી બસો નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે.
તેઓ કહ્યું કે અમદાવાદમાં પ્રધાનમંત્રી સ્વનિધી યોજના હેઠળ 65000 થી વધારે લારીગલાવાળા ભાઈઓને રૂપિયા 10,000 ની લોન તથા 18000 જેટલા લારીગલાવાળાઓને 20,000 ની અને 1100 જેટલા લારીગલાવાળાઓને 50,000 સુધીની લોન આપી તેઓને પગભર કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રદુષણ મુક્ત બને તે માટે 200 જેટલી ઇલેક્ટ્રીક બસોની પણ યોજના બની છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા 57 લાખ મેટ્રિક ટન થી વધુ ઘન કચરો દૂર કરી 35 એકર જમીન ચોખ્ખી કરવામાં આવી છે.
શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડવાનું કામ કર્યું છે. તેઓ હાલમાં છ દિવસમાં છ દેશનો પ્રવાસ કર્યો દરેક જગ્યાએથી અભૂતપૂર્વ સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને મળી રહ્યું છે. આ સન્માન માત્ર મોદીનું નહીં પરંતુ ભારતના 130 કરોડ નાગરિકોનું સન્માન છે. ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં ભારતની અલગ પ્રકારની સ્વીકૃતિ જોવા મળશે.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા એએમસી ની ટીમને ધન્યવાદ પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ કાર્યક્રમમાં તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઈઝ ઓફ લિવિંગ ને પ્રાધાન્ય આપ્યું છે. દિવસે ને દિવસે નાગરિકોનું જીવન સુદઢ અને સુખાકારી ભર્યું બને તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારના બજેટમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક પણ અઠવાડિયું એવું નથી ગયું કે જેમાં લોકસભા ક્ષેત્રમાં ખાતમુહૂર્ત કે લોકાર્પણ ન થયા હોય. તેઓએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ જ્યારે પણ લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યારે વિકાસ કાર્યોની અસંખ્ય ભેટ લઈને આવે છે. તેઓ કહ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ લોકસભા ક્ષેત્ર બને તે માટે અમિતભાઈ શાહે નિર્ધાર વ્યક્ત કરેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધેલા સંકલ્પ મુજબ દરેક ગરીબને પોતાનું ઘર મળે તે દિશામાં આજે 2501 ઇડબલ્યુએસ આવાસનો ડ્રો થવાનો છે.