છેલ્લા 156 વર્ષથી ચાલતી પરંપરા: 10 દિવસ સુધી અલગ અલગ નાટકો રજુ કરાશે

અબતક, રાજકોટ

અમરેલી જિલ્લાના કલાપી નગર એટલે કે લાઠી ગામમાં પરંપરાગત નવરાત્રિ ઉત્સવના ગરબાની સાથોસાથ આશરે દોઢ સૈકા કરતા વધુ સમયથી શ્રી મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દવારા નવરાત્રિ દરમ્યાન રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે કવિ કલાપીનાં ધામ એવા લાઠી ગામમાં છેલ્લા 156 વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવમાં આ વર્ષે  10 નાટકો રજુ થનાર છે.

રાજાશાહી વખતથી શરુ કરાયેલો આ સિલસિલો આજે દોઢ સદીથી અવિરત ચાલ્યો આવે છે ને તેને આગળ ધપાવવામાં લગભગ પાંચ-પાંચ પેઢીઓ બદલી ગઈ છે. જુની પેઢીનાં કલાકારો દ્વારા સતત મળી રહેલા માર્ગદર્શનના પરિણામે આજે પણ આ નવરાત્રિ ઉત્સવનો મૂળભૂત હેતુ યથાવત જળવાઈ રહ્યો છે. નાટક મંડળનાં સભ્યો દ્વારા વ્યક્તિગત પ્રશસ્તિની કદીપણ ખેવના કરવામાં આવતી નથી તે ખરેખર આશ્ચર્ય જન્માવે છે. આ નાટ્ય ઉત્સવ નિહાળવા અનેક ગામો-શહેરોમાંથી લાઠીની મુલાકાતે આવતા લોકો અને સ્થાનિક લોકો તરફથી પંખીની ચણ માટે અનાજ કે રોકડ રકમનું દાન આપવાની ઘોષણા થતી હોય છે. અનાજનું અનુદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરનારા દાતાઓ-શ્રદ્ધાળુઓ પાસેથી નાટક મંડળનાં સભ્યો મકર સંક્રાંતિનાં પાવન દિવસે અનાજ એકત્ર કરે છે.

નવરાત્રિમાં માત્ર બોલી બોલનારા દાતાઓ જ નહી પરંતુ બોલી નહી બોલનારા લોકો પણ આ દિવસે મંડળને અનાજનું દાન આપતા રહે છે. આ એક જ દિવસમાં, પંખીડાઓને આખું વર્ષ ચણ નાખી શકાય એટલા મોટા જથ્થામાં અનાજ એકઠું થાય છે. લાઠીની મેઈન બજારનાં મુખ્ય માર્ગ પર લુવારીયા દરવાજા પાસે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરે નાટક મંડળનાં સભ્યો આખું વર્ષ રોજ પંખીડાઓને ચણ નાખતા રહે છે. આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, લાઠીનાં પૂ. સંતશ્રી વસંદા બાપુની સમાધી ગરબી ચોક પાસે જ છે ને ત્યાં શ્રી રામજી મંદિર પણ છે, સંતશ્રી વસંદાબાપુ કેવું દૈવી જીવન જીવી ગયા તેનો ભવ્ય ભૂતકાળ પણ જાણવા જેવો છે. નવરાત્રિમાં નાટકો વધુ ચોટદાર રીતે રજુ થાય અને લોકોનાં હૃદયને સ્પર્શી જાય તેવી રીતે તેનું મંચન કરવામાં વડીલ સભ્યોનું યોગદાન દાદ માંગી લે તેવું છે જે બદલ તમામ યુવા સભ્યો વડીલોનો આદર સાથે ઋણ સ્વીકાર કરે છે.દર્શકો માટેની બેઠક વ્યવસ્થામાં મહિલા વર્ગ માટે અલાયદી જગ્યા ફાળવવા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.