કોરોનાના કાળમાં પણ એક નવો ઈતિહાસ કંડરાઈ ગયો
એક સાથે લાખો ભાવિકોએ કરી સંવત્સરી પ્રતિક્રમણની આરાધના અને ૭૦૦૦૦થી વધુ ભાવિકોએ ગ્રહણ કરી શ્રાવક દીક્ષા: ‘અબતક’ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લાઈવ પ્રસારણ થયું
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જેવા દિવસોમાં પણ ધર્મક્ષેત્રોમાં જઈ ન શકાય તેવો કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હોય એવા સમયમાં પણ દિલમાં જો શાસન પ્રભાવનાની લહેર ઉછળતી હોય અને પ્રભુની અનરાધાર મહેર વરસતી હોય તો લાખો ભાવિકોના હૃદયને જ ધર્મક્ષેત્ર બનાવી શકાતું હોય છે આ વાતની જીવંત સાક્ષી પૂરાવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે ઉજવાયેલ પર્યુષણ મહાપર્વ એ
વર્તમાન સમયની પરિસ્થિતિને અનુલક્ષીને પોતાની તિક્ષ્ણ પ્રજ્ઞા અને દીર્ઘદ્રષ્ટિથી વન જૈન ભાવના સાથે પરમ ગુરુદેવે કરેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ વિશ્વવ્યાપી ઓનલાઇન આરાધના મહોત્સવના આયોજનમાં સમગ્ર ભારતના ૧૨૫ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘોની સાથે દેશ-વિદેશના લાખો ભાવિકો જોડાઈને ધન્યાતિધન્ય બની ગયાં. આઠ આઠ દિવસ સુધી નિરંતર સવારથી-રાત્રિ સુધી અનેક પ્રકારના કાર્યક્રમો આ મહોત્સવમાં આયોજિત કરવામાં આવ્યાં હતાં.
જેના અંતર્ગત દરરોજ વહેલી સવારના આત્મવિશુધ્ધિના અનોખા પ્રયોગ સ્વરૂપ ઇનર ક્લીનિંગની વિશિષ્ટ ધ્યાન સાધના સાથે, વિશ્વશાંતિ-સમાધિના પ્રસારણ હેતુ સામુહિક મંત્ર જપ સાધનાનું આયોજન સમગ્ર વિશ્વમાં પાવનતાના તરંગો પ્રસારિત કરી ગયું. એ સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજ્ય મહાસતીજીઓના શ્રીમુખેથી પ્રેરણાત્મક પ્રવચનધારા તેમજ પૂજ્ય શ્રી પરમ મહાસતીજીઓના શ્રીમુખેથી ઈંગ્લીશમાં આપવામાં આવેલાં બોધ પ્રવચન અનેક અનેક યુવાનો માટે હૃદયસ્પર્શી બની ગયાં હતાં. વિશેષમાં, આઠ આઠ દિવસ સુધી પ્રભુ કથિત વિવિધ વિષયો પર પરમ ગુરુદેવના શ્રીમુખેથી વહેતી અમૃતવાણી હજારો લાખો ભાવિકોને જીવન જીવવાની એક નવી દિશા અને આત્મદૃષ્ટિ આપી ગઈ હતી. ઉપરાંતમાં પરમ ગુરુદેવની અત્યંત ભાવવાહી શૈલીમાં દરરોજ વિવિધ વિષયો પર કરાવવામાં આવતી ભાવયાત્રા અનેક અનેક આત્માઓને પ્રભુ મિલનની અનુભૂતિ સાથે સત્યનું ભાન કરાવી ગઈ. જન્મો જન્મનું કલ્યાણ કરાવી દેનારી પરમ ગુરૂદેવની વાણી સાથે દરરોજ હજારો ભાવિકોને ગિરનાર પાવન તીર્થના લાઈવ દર્શન કરાવીને પ્રભુ નેમની ભાવભીની ભક્તિ કરાવવામાં આવતાં સહુના હૃદય પ્રભુ ભક્તિથી ભીંજાઈ ગયાં હતાં.
વડીલ અને યુવાનોને ધર્મ બોધ પમાડવા સાથે બાળકો માટે પણ દરરોજ બપોરના સમયે ‘બાલ પર્યુષણ’ના વિશેષ આયોજનમાં દેશ-વિદેશના હજારો બાળકો હોંશે-હોંશે જોડાઈને વિવિધરૂપે પ્રભુવાણીને પામતા. તેમને ગમતી શૈલીમાં પરમ મહાસતીજીઓ દ્વારા પ્રવચન, ક્વિઝ અને પ્રયોગો સાથે અનોખા સ્વરૂપે બાલ પર્યુષણ હજારો બાળકોના માનસપટ પર સદાને માટે અંકિત થઈ ગયાં.
એ સાથે જ, દરરોજ સાંજના પ્રતિક્રમણની આરાધના બાદ રાત્રિના સમયે રાત્રિ પ્રવચનમાળા તેમજ ભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર જીવન શુધ્ધિ જ નહીં પરંતુ પ્રેક્ટીકલ પ્રયોગો દ્વારા ધર્મને કેવી રીતે જીવનમાં ઉતારી શકાય તેની સમજ પામી રાત્રિ પ્રવચનમાળામાં દરરોજ હજારો ભાવિકો ધન્ય બન્યાં હતાં.
વિદેશમાં વસતાં ભાવિકો માટે દરરોજ આઠ આઠ દિવસ સુધી પરમ મહાસતીજીઓના શ્રીમુખેથી વિવિધ દેશના સમય મુજબ સેશન રાખવામાં આવ્યાં હતાં. અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાંસ, મલેશિયા, સુદાન, આદિ અનેક ક્ષેત્રોનાં ભાવિકોએ આ સેશનનો લાભ લઈ પર્વાધિરાજને સાર્થક બનાવ્યાં હતાં.
દરરોજના આવા આત્મ કલ્યાણકારી અનુષ્ઠાન સાથે વિશેષરૂપે કરવામાં આવેલાં ભગવાન મહાવીર જન્મોત્સવના અવસરે લેબોરેટરી અને એક્સપેરીમેન્ટ વગર વર્ષો પહેલા ભગવાન મહાવીરે કેવલ જ્ઞાનમાં દર્શાવેલું સત્ય જેને વૈજ્ઞાનિકો આજે સંશોધન કરી સત્ય પુરવાર કરી રહ્યા છે તેવા રહસ્યો દર્શાવતી એક વિવિષ્ઠ શોર્ટ ફિલ્મ- અબ જાનેગી દુનિયા સુપર સાઇંટિસ્ટ મહાવીર કો દ્વારા ભગવાન મહાવીરના સુપર સાઇન્સને દર્શાવામાં આવ્યું હતું. પરવાધિરાજના દિવસોમાં એક જૈનની જીવન શૈલી કેવી હોય તે દર્શાવતી શોર્ટ ફિલ્મ રજૂ થઇ હતી.
સાત દિવસ સુધી વિશ્વના ખૂણે ખૂણે વસતાં ભાવિકોને ધર્મભાવમાં જકડી રાખ્યાં બાદ પર્વનો અંતિમ દિન સંવત્સરીનો, પૂર્વ સમગ્ર જૈન સમાજ માટે એક નવા ઈતિહાસનું સર્જન કરી ગયો હતો. લાખો ભાવિકોને આંખ પર પટ્ટી બંધાવીને અંતરની આંખેથી જન્મ જન્મના પાપ દોષોનું અવલોકન કરાવી પરમ ગુરુદેવની અત્યંત ભાવવાહી શૈલીથી આલોચનાની આરાધના કરાવવામાં આવી હતી. એ સાથે જ, ૭૦૦૦૦ થી વધુ ભાવિકોએ એકસાથે પરમ ગુરુદેવના શ્રીમુખેથી શ્રાવક દીક્ષા અંગીકાર કરીને આત્મવિશુધ્ધિ કરી હતી. સાથે જ, સંવત્સરીની સંધ્યાએ એક સાથે લખો ભાવિકોએ એક સાથે, એક જ સમય પર “મિચ્છામિ દુક્કડંનો નાદ ગુજાવી પ્રતિક્રમણની આરાધના કરી એક અવિસ્મરણીય ઈતિહાસ સર્જાઈ ગયો હતો.
આમ, ૨૦૨૦ ના વર્ષમાં દેશ-વિદેશના ભાવિકો માટે પર્વાધિરાજ પર્વની સાધના આરાધના કરવાની શક્યતા જ્યારે નહિવત બની રહી હતી ત્યારે એનાથી તદ્દન વિપરીત દેશ-વિદેશના ખૂણે ખૂણે વસતાં ભાવિકોને ઘરમાં જ સવારથી રાત સુધી ધર્મ આરાધનામાં જોડીને આ પર્વાધિરાજ પર્વને સવાયા સાર્થક બનાવવાનો પરમ ઉપકાર અને ભગીરથ પુરુષાર્થ કરનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પ્રત્યે સમગ્ર સ્થાનકવાસી સમાજ, સમગ્ર સંઘ, અનેક અનેક સંત- સતીજીઓ તેમજ લાખો લાખો ભાવિકો અત્યંત અહોભાવ સાથે નતમસ્ક બન્યાં હતાં.