સપ્ટેમ્બર માસમાં વરસાદે ૧૦૨ વર્ષનો રેકોર્ડ તોડયો: આગામી દિવસોમાં દેશનાં વિવિધ ભાગોમાં વરસાદ પડે તેવી શકયતા
દેશભરમાં અને ખાસ કરી ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે હવે કયાંકને કયાંક કપાસ અને મગફળી જેવા પાકોને નુકસાની પહોંચે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાની ઋતુનો સતાવાર અંત સોમવારનાં રોજ થવા જઈ રહ્યો છે પરંતુ આગામી સપ્તાહમાં વરસાદ વરસશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ૧લી જુનથી ૩૦ સપ્ટેમ્બર સુધી ચોમાસાની ઋતુ પોતાનું કાર્ય કરતું હોય છે પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા તારીખો આપવામાં આવી રહી છે તે જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે હજુ સુધી ચોમાસું પુરુ થવાનું નામ લેતુ નથી ત્યારે સક્રિય રીતે ચોમાસું રાજસ્થાન, બિહાર, ઉતરપ્રદેશનાં રાજયોમાં જોવા મળી રહ્યું છે. તેમાં કયાંક ગુજરાત રાજયનાં અમુક ભાગ અને રાજસ્થાનમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેનું કારણ જે-તે વિસ્તારમાં લો-પ્રેશર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
ભારતનાં હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, ૩ ઓકટોબર સુધી વરસાદ બિહાર, ઝારખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં પૂર્ણત: જોવા મળશે. જયારે નોર્મલ વરસાદ પંજાબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં અંતરીયાળ વિસ્તારોમાં જેમાં નોર્થ ઓરીસ્સા, ગુજરાત, મિઝોરમ, કેરેલા, ત્રિપુરા અને લક્ષદીપનો પણ સમાવેશ થાય છે. ૧૯૬૦ બાદ ૨૦૧૯ની વર્ષાઋતુ સૌથી લાંબી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સરેરાશ કરતા દેશમાં ૯ ટકાથી વધુનો વરસાદ નોંધાયો છે. જયારે દક્ષિણ વિસ્તારોની વાત કરવામાં આવે તો કર્ણાટક, કેરેલા, આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, પોંડીચેરી, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ પર ૧૦૦ ટકાથી વધુનો વરસાદ નોંધાયો છે. ભુતકાળની વાત કરીએ તો ૧૯૮૩માં સૌથી વધુ વરસાદ ૨૫૫.૮ મીમીમાં ગુજરાત-બિહારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય હતી. આ વખતનાં સપ્ટેમ્બર મહિનાનો વરસાદ ગત માસ કરતા વધુ હોવાનું સામે આવ્યું છે. હજુ ચોમાસું રોકાય તેવું દેખાતું નથી ત્યારે હજી ૪ થી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદ હોવાનું હવામાન વિભાગનાં ડાયરેકટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું છે. છેલ્લા બે મહિનાથી દેશમાં સતત વરસાદ નિરંતર સ્વરૂપે વરસી રહ્યો છે. ગત બે માસમાં વરસાદે ૧૯૬૧થી અત્યાર સુધીનો એટલે કે ૫૮ વર્ષનો રેકોર્ડ તોડી આ વખતનો સૌથી વધુ વરસાદ હોવાનું સામે આવ્યું છે.