કેમીકલ યુકત દુધ લોકો પી રહ્યા છે, અનેક વખત રજૂઆત છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી
જૂનાગઢમાં પૌષ્ટિક દૂધને બદલે કેમિકલ યુક્ત અને ભેળસેળ કરાયેલા દૂધનો લાખો રૂપિયાનો કારોબાર ચાલતો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે ડુપ્લીકેટ દૂધના કારોબારને નાથવા જુનાગઢ મનપાનું આરોગ્ય તંત્ર, ફૂડ ડિપાર્ટમેન્ટ કે સરકારી ફૂડ ડિપાર્ટમેન્ટ આગળ આવે તે જરૂરી જ નહિ પરંતુ આવશ્યક બની ગયું છે.
જુનાગઢ શહેરની વાત કરીએ તો, રોજનું લાખો લિટર દૂધ જૂનાગઢમાં ચાલતી ખાનગી ડેરીઓ, ડેરી ફાર્મ અને લાગવા ભરવા આવતા જૂનાગઢના અને ગ્રામ્ય પંથકમાંથી વેપારીઓ દ્વારા વેચવામાં આવે છે, આ સિવાય દૂધમાંથી બનતા હજારો કિલો દહી અને ઘોરવું તેમજ માખણ અને ઘી ની સાથે લાખો લિટર છાશ માત્ર જૂનાગઢમાં વહેચાય છે.આટલેથી નહિ અટકતા હજારો કિલો થાબડી, પેંડા, દૂધની મીઠાઈ, આઇસ્ક્રીમ અને ઉનાળામાં દરરોજના વહેંચતા હજારો કિલો શ્રીખંડ માટે વપરાતું દૂધ આવે છે ક્યાંથી ?
એક ચોંકાવનારી ચર્ચાતી વાત મુજબ જેટલા પ્રમાણમાં દૂધ જૂનાગઢમાં વેચાય છે એના ૪૫% જેટલું પણ દૂધનું ઉત્પાદન જુનાગઢ કે જૂનાગઢની આસપાસના વિસ્તારમાં થતું નથી. જ્યારે બીજી હકીકત મુજબ જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં જે દૂધ ઉત્પાદન થાય છે તે મોટાભાગે ત્યાંની સ્થાનિક દૂધ ઉત્પાદન મંડળીઓને વહેંચી દેવામાં આવે છે, જે દૂધ સિધુ જૂનાગઢની ડેરીમાં જાય છે.
આ ઉપરથી વિચારવા જેવી વાત એ સામે આવે છે કે, જુનાગઢમાં દરરોજ વેચાતું લાખો રૂપિયાનું લાખો લીટર દૂધ શું પોષ્ટિક અને ભેળસેળ વગરનું છે ? આટલું દૂધનું ઉત્પાદન થાય છે ખરું ? અને જો દૂધનું એટલું ઉત્પાદન ન થતું હોય તો, જૂનાગઢમાં વ્હેચતું દૂધ ડુપ્લીકેટ અને સ્વાસ્થ્યને હાનિકારક છે એવી થતી લોક ચર્ચામાં કાઇક તથ્ય છે, તેમ માનવું ગેરવ્યાજબી નથી.
પરંતુ મોટો અક્સ પ્રશ્ન એ છે કે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટેની કામગીરી કરશે કોણ ???
જૂનાગઢના સરકારી ફૂડ ડિપાર્ટમેન્ટ પાસે તો છાપેલો એક જ જવાબ છે કે “સ્ટાફ નથી” જ્યારે મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સાહેબો પાસે સમય નથી કે કોઈ લેખિત ફરિયાદ નથી, એટલે સાહેબો આ કામગીરી કરતા નથી જેના કારણે નકલી દૂધ બનાવનારો અને વહેચનારાઓના કાળા દૂધનો ધંધો બેફામ બન્યો છે, અને બિચારા બની ગયેલા લોકોને જાણવા છતાં અજાણ બની, મને કમને ડુપ્લીકેટ અથવા કેમિકલ યુક્ત દૂધ અને દૂધમાંથી બનતી છાશ, દહી, બટર, ઘી, મીઠાઈઓ પોતાના સશકત, અસ્વસ્થ આપ્તજન કે ફૂલ સમાન ભૂલકાંઓના પેટમાં ઠાળવવું પડે છે.
એક બાજુ સરકાર બાળકોને પોષણયુક્ત બનાવવા કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે કરોડો રૂપિયાના પગાર ફૂડ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય વિભાગને આપી રહી છે, પરંતુ જૂનાગઢનું આરોગ્ય અને ફૂડ ડિપાર્ટમેન્ટ જાણતું હોવા છતાં આંખ અને કાન આડા પટ્ટા બાંધી કોઈને કોઈ કારણોસર જુનાગઢના લોકોની સ્વાસ્થ્યની જવાબદારી અને સેવા માટે બેપરવાહ અને બેજવાબદાર બન્યું છે અથવા તો કોઈપણ અંગત કારણોસર અધિકારીઓ તેમના કર્મચારીઓને આ કામગીરી કરતા રોકી રહ્યા છે, અથવા કાગળ ઉપર કામગીરી થતી હશે તો કાળા કામો કરનારાઓને બચાવી લેવાતા હશે તેવા સણસણતા આક્ષેપો જૂનાગઢવાસીઓમાંથી થતા હોવા છતાં જૂનાગઢના જવાબદાર અધિકારીઓ દ્વારા જુનાગઢવાસીઓ લાખો લિટર ડુપ્લીકેટ અને કેમિકલ યુક્ત દૂધ અને દૂધવાળા દૂધ ઉત્પાદનો પેટમાં નાખી ચૂકયા છે.અને હજુ નાખી રહ્યા છે.
જો કે, અત્રે નોંધનીય બાબત એ પણ છે કે આ બાબત વર્ષોથી જૂનાગઢના નિવેદનો આપતા નિવેદનનીયા નેતા, છાશવારે આંદોલનની ચીમકી ઉચ્ચાર નારા રાજકીય, સામાજિક આગેવાનો અને પ્રબુદ્ધ ગણાતા શ્રેષ્ઠીઓ જાણવા હોવા છતાં આ બાબતે કોઈ જ ખેવના જૂનાગઢના લોકો માટે કરતા નથી કે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો અથવા જરૂર પડીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી શક્યા નથી ત્યારે પેધી ગયેલા અધિકારીઓ જૂનાગઢની ડેરી ફાર્મમાં અને બહારથી આવતા દૂધ વેચનારાઓ સામે પગલા કડક કાર્યવાહી કરતા નથી, જેથી જૂનાગઢના લોકોના પેટમાં ડુપ્લીકેટ અને કેમિકલ યુક્ત દૂધ અને ભેળસેળયુક્ત દૂધ ઉત્પાદનો તથા મીઠાઈઓ પેટમાં ઠાલવવાનું ચલાવી રહ્યા છે.