આત્મનિર્ભર તરફનું પહેલુ ડગલું
કોંગ્રેસના યુવા બાદ દિગ્ગજ નેતાઓ પણ સચિન પાયલોટના સમર્થનમાં આવ્યા: પાયલોટની ભાજપમાં ન જોડાવાની સ્પષ્ટતા પછી સમાધાનનો માર્ગ અખત્યાર કરવા અપીલ
રાજસ્થાનની ગેહલોત સરકાર સામે ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ દ્વારા બળવા બાદ કોંગ્રેસ પાર્ટીએ પાયલોટ અને તેના સમર્થક ત્રણ મંત્રીઓને મંત્રીમંડળમાંથી દૂર કર્યા છે. જે બાદ કોંગ્રેસે પાયલોટ અને તેના જુથના મનાતા ૧૮ ધારાસભ્ને પાર્ટીનો વ્હીપ ન માનવા બદલ ગેરલાયક ઠેરવવા વિધાનસભા અધ્યક્ષ પાસે રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ અધ્યક્ષે પાયલોટ અને તેના જુથના ધારાસભ્યોને નોટીસો જવાબ આપવા તાકિદ કરી છે. દરમ્યાન પાયલોટે પોતે કદી ભાજપમાં જોડાવવાના ન હોવાની સ્પષ્ટતા કરતા તેમના સમર્થનમાં પાર્ટીના યુવા નેતાઓ બાદ હવે વરિષ્ટ નેતાઓ પણ આવ્યા છે. પાયલોટના સમર્થનમાં કોંગ્રેસના મોટાભાગના નેતાઓએ લાગણી વ્યકત કરતા કોંગ્રેસના પાયા હચમચ્યા જેવી સ્થિતિ ઉભી થવા પામી છે.
રાજસ્થાન વિધાનસભા સ્પીકર સી.પી. જોશી તરફથી ગેરલાયક ઠરાવવાની નોટિસો મળ્યા પછી અને કોંગ્રેસમાંથી રાજીનામા ધરી દેવા બાગી સચિન પાયલટ જૂથમાં ફાંટા પડી જતાં મુખ્યમંત્રી અશોક ગહેલોતની સરકાર ઉપરથી સ્થિરતાની ચિંતામાં ઘટાડો થયો છે. બાગી જૂથનાં કેટલાંક વિધાયકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડવા નામરજી દેખાડી દીધી હોવાનાં કારણે જ કદાચ પાયલટે ગઈકાલે પત્રકાર પરિષદ રદ કરીને ઈન્ટરવ્યુમાં ભાજપમાં સામેલ થવાની સંભાવના ખારિજ કરી નાખવી પડી છે.
સચિન પાયલટ તરફથી ખતરો ઓસરી જતાં કોંગ્રેસનાં નૈતિક જુસ્સામાં વધારો થયો છે અને રાજસ્થાનમાં ભાજપનાં ગુલાબચંદ કટારિયા સહિતનાં નેતાઓએ એવો મત આપ્યો છે કે, સંખ્યાબળ જોતાં ગહેલોતને વિશ્વાસનાં મતની ફરજ પાડવાનાં સંજોગો ઉચિત નથી જણાતાં.
પોતે ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનાં અહેવાલો ગાંધી પરિવાર સામે પોતાની છબિ ખરડવાનાં પ્રયાસ હોવાનું કહીને પાયલટે સમાધાનનો સંકેત આપી દીધો હતો અને ગાંધી પરિવાર અને તેનાં નેતૃત્વમાં પાયલટે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ભાજપમાં જોડાવાનાં પાયલટનાં ઈનકારને કોંગ્રેસની નેતાગીરીએ પણ હકારાત્મક દૃષ્ટિએ લીધો છે અને તેમનાં સાથે યોગ્ય સમયે મસલતો માટેનાં દ્વાર બંધ થયા ન હોવાનો સંદેશો આપી દેવામાં આવ્યો હતો. જો કે હવે પાયલટ માટે નાયબ મુખ્યમંત્રી પદનો વિકલ્પ બચ્યો ન હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું. પાયલટે હવે બિનશરતી પરત આવવું પડશે.
બીજી તરફ કોંગ્રેસના યુવા નેતાઓ બાદ વરિષ્ટ નેતાઓ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, શશી થરૂર, જીતીન પ્રસાદ, સંજય નિરૂપમ, પ્રિયાદત્ત, સંજય ઝા સહિતના નેતાઓ પાયલોટના સમર્થનમાં આવ્યા છે. આદિગ્ગજ નેતાઓએ રાજસ્થાનમાં પાર્ટીને સત્તામાં લાવવા માટે લોહી રેડી દેનારા અને પાર્ટીને ફરીથી સંજીવન કરનારા સચીન પાયલોટને સ્વમાનભેર કોંગ્રેસમાં સક્રિય કરવાની માંગ કરી છે. કપિલ સિબ્બસલે કરેલા ટવીટમાં એક પછી એક યુવા નેતાઓની પાર્ટીમાં રવાનગી કોંગ્રેસમાં ચિંતાના વિષય સમાન ગણાવી હતી આ મુદે આત્મમંથન કરીને પાર્ટી હાઈકમાન્ડે રાજસ્થાનના વિવાદને સુલટાવવાની લાગણી પણ વ્યકત કરી હતી.
પાર્ટીના પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ પણ ટવીટ કરીને અશોક ગેહલોત અને સચિન પાયલોટને પરિપકવ આગેવાનો ગણાવ્યા છે. બંને નેતાઓએ પરિપકવતા દાખવીને દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયો લઈને સરકારને બચાવવી જોઈએ શશી થરૂરે પણ સચિન પાયલોટને કોંગ્રેસના નેતાઓમાંના ઉજજવળ કારકીર્દી ધરાવતા એક શ્રેષ્ઠ નેતા તરીકે ગણાવીને વર્તમાન સ્થિતિમાં તેઓ પરિપકવતા પૂર્વક નિર્ણય લઈને પોતાની આ ઈમેજને જાળવી રાખશે તેવી લાગણી વ્યકત કરી હતી. જીતીન પ્રસાદે કરેલા ટવીટમાં સચિન પાયલોટને એક સારા સાથી મિત્ર ગણાવવાની સાથે પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા તેના ગણાવીને હાલની સ્થિતિમાંથી તેઓ તુરંત બહાર આવે તેવી મનોકામના વ્યકત કરી હતી.