વિદેશ મુસાફરી કરવા માટે હવે ઉડ્ડયન મંત્રાલયમાં નોંધણી નહીં કરાવી પડે
કોરોનાના કારણે યાતાયાત અને પરીવહનને ઘણી માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે હવે અનલોક-૪માં સરકાર આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવા માટેની તમામ તૈયારીઓને પૂર્ણ કરી છે જેથી હવે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવા માટે મુસાફરોએ ઉડ્ડયન મંત્રાલય ખાતે તેઓના નામની નોંધણી કરાવવાની રહેશે નહીં જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા તાકિદ કરવામાં આવી છે. વંદે ભારત મિશન હેઠળ જે ફલાઈટનું આયોજન કરવામાં આવ્યું છે તેને માત્રને માત્ર હાલ બબલ સીટીમાં જ ઉડ્ડયન ભરવા માટેની પરવાનગી આપવામાં આવી છે ત્યારે ઉડ્ડયન મંત્રાલય દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, હવે મુસાફરો જે વિદેશ મુસાફરી કરી રહ્યા છે તેઓએ તેમની મનગમતી એરલાઈન્સની પસંદગી કરી શકશે. સાથો સાથ તેઓએ હવે તેમના નામની નોંધણી પણ ઉડ્ડયન મંત્રાલયમાં કરવાની નહીં રહે. સરકાર દ્વારા આ અંગેનો નિર્ણય એક સપ્તાહ પહેલા જ લેવામાં આવ્યો હતો.
હાલના સમયમાં જે આંતરરાષ્ટ્રીય વિમાનો ઉડાન ભરી રહ્યા છે તે મુખ્યત્વે એર બબલ સીટી જેવા કે યુ.એસ, યુ.કે., ફ્રાંસ, જર્મની, યુ.એ.ઈ, કતાર અને માલદીવનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હાલ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, જાપાન, ન્યુઝીલેન્ડ, ઈઝરાયલ, ફિલીપાઈન્સ, રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ સહિત અનેક શહેરોમાં ચર્ચા-વિચારણા કરી તેઓને બબલ સીટીમાં આવરી લેવા માટેની વાટાઘાટો કરી રહ્યું છે. એર બબલ જે શહેરો નિર્ધારીત કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે યાત્રિકો સ્પેશિયલ ફલાઈટ થકી આ સ્થળ પર પહોંચી શકે જયાં સુધી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનની પરિસ્થિતિ સામાન્ય ન થઈ જાય. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને ધ્યાને લઈ એ વાત ઉપર સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે અનલોક-૪નું કાઉન્ટડાઉન જે રીતે શરૂ થઈ ગયું છે તેનાથી હવે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવા વિમાનો તૈયાર થઈ ગયા છે. ભારત દેશે એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે જે યાત્રિકો ભારત દેશથી અન્ય દેશોમાં જઈ રહ્યા છે તો તેઓને વેલીડ વિઝાના આધારે પરવાનગી આપવામાં આવશે ત્યારે આ કાયદાનું પાલન પણ યાત્રિકોએ ચુસ્તપણે કરવુ પડશે જેમાં સહેજ પણ મીનમેક નથી ત્યારે ભારત દેશ દ્વારા જે વંદે ભારત મિશનને શરૂ કર્યું છે અને જે નવી એસોપી જાહેર કરવામાં આવી છે તેનાથી યાત્રિકોએ તેમના નામની નોંધણી કરાવવાની રહેશે નહીં.