માઁ ઝંખે છે… મધર્સ-ડે
ભેદી રીતે થયેલી હત્યામાં જાણભેદુની સંડોવણીની શંકા: મધર્સ ડેના દિવસે જ હત્યાનો સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
માતા વિશે સાહિત્યકારો અને કવિઓએ ઘણું લખ્યું છે. અને માતાની સરખામણીએ અન્ય કોઇની તુલના ન થઇ શકે ત્યાં સુધી લખ્યું છે. ગઇકાલે જ મધર-ડે ઉજવણી કરી ૩૬૫ દિવસ પૂજનીય મનાતી માતાને એક દિવસની ઉજણી કરી પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે. ત્યારે એકલવાયું જીવન જીવતી વૃધ્ધ જનેતાની મધર-ડેના દિવસે જ કરપીણ હત્યા થતા સભ્ય સમાજનું શરમથી માથું ઝુંકી જાય છે. સમાજ માટે લાલબતી સમાન ઘટના મુળી પોલીસ મથકમાં નોંધાઇ છે. બે પુત્ર અને ચાર પુત્રીની જનેતાની કરપીણ હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે.
મુળીના મોરીપા વિસ્તારમાં રહેતા નનુબા રતનસિંહ મોરી નામના ૮૫ વર્ષના વૃધ્ધાનું ગઇકાલે અજાણ્યા શખ્સોએ અણીદાર સુયો અને ધારદાર ચપ્પુના ઘા ઝીંકી અજાણ્યા શખ્સે હત્યા કર્યા બાદ દરવાજાને બહારથી તાળુ લગાવી ભાગી ગયાની મૃતકના સુરેન્દ્રનગર ક્રિષ્ના ટાવર પાસે રહેતા નાના પુત્ર માનસંગ રતનસિંહ મોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બે પુત્ર અને ચાર પુત્રીની જનેતા છેલ્લા દસેક દિવસ પહેલાં જ મુળી પોતાના વડીલો પાર્જીત મકાનમાં એકલા રહેવા આવ્યા હતા. નનબા મોરીની એક પુત્રી લીલાબેન ઝાલા પણ મુળી રહેતા હોવાથી તેમને ત્યાંથી નનુબા મોરીને ટિફિન પહોચતું કરવામાં આવતું હતું. નનુબા મોરી તેના મોટા પુત્ર નથુજી ઉર્ફે વાટુભાને ત્યાં વઢવાણ તેમજ અમદાવાદ અને વાંકાનેર રહેતી પોતાની પુત્રીઓને ત્યાં રહેતા હોવાનું માનસંગભાઇ મોરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
મુળી ખાતેના જૂના મકાનમાં ભાડુઆત રહેતા હતા તેઓને તાજેતરમાં જ ખાલી કરાવ્યા બાદ નનુબા મોરી પોતાના મુળ ગામ મુળી રહેવા આવતા જીંદગીની ઢળતી ઉમરે કેમ એકલા રહેતા અને બે પુત્ર અને ચાર પુત્રી હોવા છતાં કોઇ એકને ત્યાં સ્થીર નહી પણ થોડા દિવસો વિતાવતા હતા તે અંગે અંકોડા મેળવવા પોલીસ મથામણ કરી રહી છે.
બે ઓરડાના મકાનમાં એકલવાયું જીવન જીવતા નનુબા સાંજના સાડા ચાર વાગ્યા સુધી બહાર ન આવતા પાડોશમાં રહેતા કુટુંબી દિલીપભાઇ રામસંગ મોરી ત્યાં તપાસ કરતા મકાનને બહારથી તાળુ લગાવેલું જોતા આજુબાજુના રહીશોને પૂછપરછ કરતા વૃધ્ધાની કંઇ ભાળ ન મળતા પાડોશીઓએ સાથે મળી તાળુ લગાવેલા ‚મમાં તપાસ કરતા નનુબા મોરી લોહીલુહાણ હાલતમાં પડયા હતા. દિલીપભાઇ મોરીએ નનુબા મોરી મુળીમાં જ રહેતી પુત્રી લીલાબેનને જાણ કરી હતી અને સુરેન્દ્રનગર ખાતે રહેતા પુત્ર માનસંગભાઇ મોરીને જાણ કરતા તેઓ મુળી દોડી ગયા હતા.
માનસંગભાઇ મોરી અને પુત્રી લીલાબેન ઝાલાએ પોતાની માતા નનુબા મોરીની હત્યા કોણે અને શા માટે કરી તે અંગે અજાણ હોવાનું તેમજ તેઓને કોઇ પર શંકા ન હોવાનું જણાવતા ભેદી રીતે થયેલી હત્યા પાછળ જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે પી.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ ચૌહાણે તપાસ હાથધરી છે.
મધર ડેના દિવસે વયોવૃધ્ધ નનુબા મોરીની હત્યા કરી હત્યારાઓએ દરવાજાને બહારથી તાળુ લગાવ્યું હોવાથી હત્યાના ગુનામાં સંડોવાયેલો શખ્સ મોરી પરિવારથી પરિચીત હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. હત્યા પાછળ આર્થિક કે કૌટુંબીક કારણ હોવાની શંકા સાથે પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી હતી પણ હત્યાનાનું પગે‚ મેળવવામાં કોઇ મહત્વની કડી મળી ન હોવાથી પોલીસે ઘટના સ્થળના આજુ બાજુના રહીશની તેમજ મૃતકના પરિવારની પૂછપરછના આધારે તપાસને આગળ ધપાવી છે.