ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ  ઉમિયાના દર્શન  કરી ધન્ય: લેઉઆ-કડવા વચ્ચેના સેતુનો નવો અધ્યાય ?

આજે ઉંઝા ખાતે કડવા અને લેઉવા પટેલ સમાજ વચ્ચે બેઠકની શરૂઆત થઈ છે. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. પાટીદાર સમાજના આગેવાનો સિવાય રાજકિય નેતાઓ પણ આ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું, આજે પ્રથમવાર માં ઉમિયાના દર્શનનો લહાવો મળ્યો છે. એક ધન્યતાની અનુભતી કરી છે તેને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. કડવા પાટીદાર સમાજને તેમના કાર્યમાટે લાખ લાખ વંદન કરું છું. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે. ઉદ્યોગથી લઈ તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓ છે. મહદઅંશે આપણે સંગઠિત થયા છીએ.

તેમણે એમ પણ કહ્યું કે, હજુ કોઈક વસ્તુની ઉણપ છે. ઘણા સમાજના લોકો ટાંટીયા ખેંચે છે. રાજકારણમાં આપણી નોંધ નથી લેવાતી તે બાબતે ચિંતા કરવાની જરૂર છે. અધિકારી સ્તરે પણ આપણી નોંધ નથી લેવાતી.

બેઠકમાં હાજર જયંત બોસ્કિએ સમાજના યુવા નેતાઓને તક આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો સમાજના યુવાનો પાર્ટી થકી આગળ આવવા માંગતા હશે તો અત્યારે જે પરિસ્થિતિ છે, બરોજગારીની તેમાં યુવાનોને સાથે રાખી રોજગારી પર ધ્યાન આપી આગળ વધીશું. મિટિંગમાં એનસીપી પાર્ટીના નેતા હાજર રહેતા રાજકીય રંગ જામ્યો હતો.

નરેશ પટેલની હાજરીથી લેઉઆ-કડવા પટેલ સમાજ વચ્ચેના સેતુનો નવો અધ્યાય શરૂ તવાના અણસારે ગુજરાતના સામાજિક ક્ષેત્રે હલચલ મચાવી છે. સંડેરથી બાલીસણા સુધી વિશાળ રેલીમાં હજારો પાટીદારો જોડાયા હતા. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ રેલીમાં જોડાયા હતા. પરંતુ રોલ્સ રોયસમાં બેસવાના બદલે નરેશ પટેલ બાઈકમાં બેસીને જ રેલીમાં જોડાયા હતા. નરેશ પટેલની હાજરી અને સમાજની રાજકારણમાં નોંધ લેવાતી નથી તેવા નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્યએ વળતું નિવેદન આપી જણાવ્યું હતું કે, રાજકારણમાં દરેક સમાજની ગ્રેવીટી મુજબ નોંધ લેવાતી જ હોય છે. સંડેરથી સાલીસણા સુધીની રેલીમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ગુજરાતના રાજકારણમાં અને સામાજિક ધોરણે લેઉઆ પટેલ અને કડવા પટેલ સમાજના એકીકરણની લાંબા સમયથી વાતચીતો ચાલે છે. આજના આ નિવેદનને લઈને બન્ને સમાજ એક થાય તેવા સમીકરણોએ રાજકીય ગતિવિધિઓમાં ભારે ગરમાવો લાવી દીધો છે. નરેશ પટેલે સમાજમાં રાજકારણની નોંધ અંગેના કરેલા નિવેદનથી અનેક તર્ક-વિતર્ક અને રાજકીય ભાવી સમીકરણોના વમણ સર્જાયા છે. જો કે, જ્ઞાતિના જ કોંગ્રેસના ધારાસભ્યએ નરેશ પટેલના આ નિવેદન સામે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે, જ્ઞાતિ અને સામાજિક મંચ પર આવા રાજકીય નિવેદનો કરવા જોઈએ નહીં. આવનાર દિવસોમાં લેઉઆ-કડવા પટેલ જ્ઞાતિ એકતાને લઈને નવા સમીકરણો સર્જાય તેવા સંકેતો ઉભા થયા છે.

નરેશ પટેલ સહિતનાં યુવા આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બાઈક રેલીમાં હજારો યુવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.