હાઇકોર્ટમા ન્યાય નહીં મળે તો સુપ્રિમ કોર્ટમાં ન્યાય માટે લડત ચલાવવાની કર્મચારીઓની તૈયારી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નાના કર્મચારીઓની સત્તાધીશોએ રોજગારી છીનવી લીધી છે. કાયમી થવા માટે યુનિવર્સિટી સામે હાઇકોર્ટમાં પીટીશન કરતાં ૪ કર્મચારીઓને સોમવારથી પાણીચું પકડાવી દેવામાં આવતા કર્મચારીઓ પર જાણે પહાડ તૂટી પડ્યો છે. હાઇકોર્ટમાં જે કર્મચારી જાય તેને નોકરીમાંથી છુટ્ટા કરી દેવા તેવો તઘલખી નિર્ણય લઈને બેસેલા યુનિવર્સિટીનાં સત્તાધીશો સામે કર્મચારીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. ૪ કર્મચારીઓને છુટ્ટા કરી દેવામાં આવતા અન્ય ૪૦૮ પ્લેસમેન્ટ કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. કરાર આધારિત કર્મચારીઓને પરત લાવવાનો યુનિવર્સિટીએ નન્યો દેખાઈ રહ્યો છે.જોકે હાઇકોર્ટમા ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે લડત ચલાવવાની કર્મચારીઓની તૈયારી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ દલસાણીયા, પી.જી.વિભાગમાં ક્લાર્ક અને તેમના પત્ની જયશ્રીબેન, ફાર્મસીના જ લેબ ટેકનિશયન મિતુલભાઈ ચંડીભમર અને બોયઝ હોસ્ટેલનાં ફિક્સ પે કર્મચારી મહાવીરસિંહ જાડેજાને સોમવારથી જ યુનિવર્સિટીઆ આવવાની ના પાડી દેવામાં આવી છે યુનિવર્સિટી સંલગ્ન રાજદીપ એજન્સીમાંથી ગત શનિવારે ચારેય કર્મચારીઓને ફોન આવ્યો કે ’ યુનિવર્સિટી મેનેજમેન્ટે તમને છુટ્ટા કરવાનો નિર્ણય કર્યો છે, જેથી સોમવારથી તમે યુનિવર્સિટીએ નોકરી પર ન આવતા’ તેમ છતાં ચારેય કર્મચારીઓ સોમવારે યુનિવર્સિટી પર આવ્યા. પરંતુ તેમને થંબ મશીનમાં હાજરી પૂરવા ન દીધી. ત્યારબાદ તેઓ ચીફ એકાઉન્ટ ઓફિસર કે.એન.ખેર પાસે ગયા તો જવાબ મળ્યો કે, ’ તમે હાઇકોર્ટમાં ગયા હોવાથી યુનિવર્સિટીએ તમને છુટ્ટા કરવાનો નિર્ણય કર્યો છે.’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અલગ – અલગ વહીવટી વિભાગ અને ભવનમાં પટ્ટાવાળા, સ્વીપર, ક્લાર્ક, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામર સહિતનાં કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઇઝ પર ૪૧૨ કર્મચારીઓ ફરજ બજાવે છે. યુનિવર્સિટીએ ૧૫ વર્ષ બાદ કરાર આધારિત કર્મચારીઓને પી.એફ. આપવાનું શરૂ કરતાં પરંતુ મામૂલી માસિક પગારમાંથી પણ ૧૨ ટકા પી.એફ. કાપી લેતા કર્મચારીઓનાં માસિક પગારમાં રૂ.૧૨૦૦ નો ઘટાડો થયો. સત્તાધીશોએ પ્લેસમેન્ટનાં બિનશૈક્ષણિક કર્મચારીઓને ૨૦ ટકાનાં પગાર વધારાની મોટા ઉપાડે જાહેરાત તો કરવામાં આવી હતી. પરંતુ હકીકતમાં હજુ સુધી એક પણ કર્મચારીને પગાર વધારો મળ્યો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને એજન્સી હેઠળ મૂકવા કે નહીં તેનો નિર્ણય પણ અધ્ધરતાલ છે. દરમ્યાન કરાર આધારિત ૪ કર્મચારીઓને છુટ્ટા કરી દેવાતા તેઓએ ’જ્યાં સુધી યુનિવર્સિટી નોકરીમાંથી છુટ્ટા કરવાની લેખિત જાણ નહીં કરે ત્યાં સુધી પગાર વિના ફરજ બજાવવાની કર્મચારીઓની માંગ છે.હાઇકોર્ટમા ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે લડત ચલાવવાની કર્મચારીઓની તૈયારી છે.’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ નિલાંબરીબેન દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કરાર આધારિત ૪ કર્મચારીએ યુનિવર્સિટીને જાણ કર્યા વિના હાઇકોર્ટમાં પીટીશન કરી એટલે જ નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે. આ ચાર કર્મચારીને કાયમી કરીએ તો બીજા કરાર આધારિત કર્મચારીને પણ કાયમી કરવા પડે અને તેના પગારના ખર્ચથી કરોડોનો બોજો યુનિવર્સિટી પર પડે. જેથી હવે આ કર્મચારીઓને યુનિવર્સિટી નોકરી પર નહીં જ રાખે.