શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના જોબફેરમાં વિદ્યાર્થીઓને ભરોસો રહ્યો નથી: ૧૪૦૦ વિદ્યાર્થીઓ માંથી બપોર સુધીમાં ૪૭૦ વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યા, ૧૮૭ શોર્ટ લિસ્ટ થયા
જેવી રીતે વિદ્યાર્થીઓ પરિક્ષામાં ૩૫ ટકા એ ચડાવપાસ થતા હોય છે એવી જ રીતે આજના યુનિવર્સીટીના જોબફેરમાં ૧૪૦૦ માંથી ફકત ૪૭૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ કેસીજી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્નવેન્શન સેન્ટર, લો ડિપાર્ટમેન્ટ અને રંગમંચ ખાતે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જોબફેરના પ્રથમ દિવસે ફકત ૬૦૦ જેટલા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા અને બે દિવસમાં કુલ ૨૮૦૦ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. પરંતુ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોતા એવું લાગી રહ્યું છે કે, સરકાર આયોજીત જોબફેરમાં હવે વિદ્યાર્થીઓને ભરોસો રહ્યો નથી.
મળતી માહિતી મુજબ જોબફેર રાજકોટ અને મોરબી જિલ્લાના ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યાઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧:૩૦ સુધીમાં ૪૭૦ વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યા હતા. જેમાંથી ફકત ૧૮૭ વિદ્યાર્થીઓ શોર્ટલીસ્ટ થયા હતા. આ મેગા પ્લેસમેન્ટ ફેરમાં ઈન્ટાસફાર્મા, ઓરબીટ બેરીંગ, મેક પાવર, સીએનસી, ટેક એકસ્પર્ટ સહિતની નામી કંપનીઓ ઉપસ્થિત રહી હતી. પરંતુ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
હજુ આવતીકાલે પણ સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી જોબફેર ચાલશે. જેમાં આર્ટસ, કોમર્સના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આજે પ્રથમ દિવસ તો મેગાફેરનો સુપર ફલોપ રહ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજય સરકારનાં શિક્ષણ વિભાગ આયોજીત જોબફેર સુપરહિટ ફલોપ સાબિત થયો છે. જોબફેરમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી એવું લાગી રહ્યું છે કે હવે સરકારનાં જોબફેરમાં વિદ્યાર્થીઓને રસ રહ્યો નથી જોકે બીજી તરફ વાત કરીએ તો જાન્યુઆરીથી જ પ્રિ-પ્લેસમેન્ટ જુદી-જુદી કોલેજોમાં કરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ કંપનીમાં ૩૧ વિદ્યાર્થીઓ, અદાણીમાં ૧૭ જેટલા વિદ્યાર્થીઓ, મિતલ સિમેન્ટમાં ૪૩ વિદ્યાર્થીઓ સહિત જુદી-જુદી કંપનીઓમાં ૧૫૦ વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા. આજના આ જોબફેરમાં રાજકોટની વીવીપી એન્જીનીયરીંગ કોલેજ, ગર્વમેન્ટ કોલેજ, આત્મીય કોલેજ સહિતની કોલેજોનાં ૪૭૦ વિદ્યાર્થીઓએ બપોરે સુધીમાં ઈન્ટરવ્યુ આપ્યા હતા અને ૧૭૦ વિદ્યાર્થીઓનું જુદી-જુદી કંપનીઓમાં સિલેકશન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે કુલપતિ નિતીન પેથાણીના અધ્યક્ષ સને મેગા પ્લેસમેન્ટ ફેરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ઉપકુલપતિ વિજય દેસાણી, રજિસ્ટ્રાર આ.જી.પરમાર, ઝોનલ ઓફિસર ડો.રાઠોડ, ડે. ઝોનલ ઓફિસર ડો.વિઠલાણી, નોડલ ઓફિસર ડો.આર.પી.ભટ્ટ, નોડલ ઓફિસર, ડો.પી.પી.કોટક, નોડલ ઓફિસર ડો.એસ.અન.પંડ્યા વગેરે હાજર રહ્યાં હતા.