વિદ્યાર્થીઓ ઘર આંગણે રહીને જ નામાંકિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે તેવું આયોજન કરી રહી છે મોદી સરકાર
ભારત યુવાનોનો દેશ છે. તેમાં પણ હવે ભારતનો દરેક નાગરિક શિક્ષિત બને તેવા આશયથી સરકારે અનેકવિધ પગલાંઓ લીધા છે. સરકારી શાળામાં ગુણવતાયુક્ત શિક્ષણ આપવા માટે અનેકવિધ ફેરફારો કરવામાં આવ્યા છે. ટૂંક સમય પહેલા સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં સ્કિલબેઝડ એજ્યુકેશન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જે બાદ સરકાર હવે શિક્ષણ ક્ષેત્રે એક મોટું આયોજન કરવા જઈ રહ્યું છે.
ભારતના યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે દુનિયાના અનેકવિધ દેશોમાં જતાં હોય છે. યેલે યુનિવર્સિટી, ઓકસફર્ડ યુનિવર્સિટી, ટ્રીનીટી યુનિવર્સિટી સહિતની વિશ્વની નામાંકિત યુનિવર્સિટીમાં અભ્યાસ હેતુસર ભારતમાંથી યુવાનો જતા હોય છે. ત્યારે હવે સરકાર આ પ્રકારની દુનિયાની નામાંકિત યુનિવર્સિટીઓને ભારતમાં લાવવા પ્રયત્નો કરી રહી છે. જેથી ભારતના યુવાનો ઘર આંગણે જ સ્કીલ બેઝડ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. ભારતમાં હાલ આઈઆઈટી, આઇઆઈએમ સહિતની યુનિવર્સિટીઓ કાર્યરત છે. જે ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓને ચીફ એક્ઝિક્યુટિવની લાયકાત ધરાવતા યુવાનો પુરા પાડે છે.
કેન્દ્ર સરકાર હાલ વિદેશની નામાંકિત યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ શરૂ કરવા અંગે પ્રસ્તાવ રજૂ કરવાની મંત્રણા કરી રહ્યું છે. જે પ્રસ્તાવને હાલ બહુમતી મળી શકે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ અંગે શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલે કહ્યું હતું કે, આ પ્રસ્તાવમાં ભાગ લેવા માટે વિશ્વની અનેકવિધ યુનિવર્સિટીઓ એ રસ દાખવ્યો છે. પોખરીયાલે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયન સરકાર અને અનેકવિધ યુનિવર્સિટીઓ આ પ્રસ્તાવમાં હકારાત્મક અભિગમ દાખવ્યો છે. ટૂંક સમયમાં ભારતમાં વિશ્વની નામાંકિત યુનિવર્સિટી હશે તેવું પણ ઉમેર્યું હતું.
આધુનિક યુગમાં બજારમાં લાયકાત અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણની ગુણવતા જાળવવાની જરૂરિયાત છે જેને ધ્યાને રાખીને નવી શિક્ષણ નીતિ અમલી બનાવાઈ છે જેથી વિદ્યાર્થીઓ તેમના ભણતરના શરૂઆતી તબક્કાથી જ કૌશલ્ય આધારિત શિક્ષણ મવળવી શકે.
જો કે, નવી યુનિવર્સિટીને ભારત લાવવામાં અમુક મુખ્ય પડકારોનો પણ સામનો કરવો પડશે. પડકારોની જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે યુનિવર્સિટીના નિર્માણ માટે જમીનની ઉપલબ્ધી, યોગ્ય શૈક્ષણિક કર્મચારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સમસ્યાઓ પડકારજનક સાબિત થશે. એ ઉપરાંત હજુ સુધી શિક્ષણમંત્રીએ વિદેશી યુનિવર્સિટીઓને ભારત લઈ આવવા માટે કેવા પ્રકારના પ્રોત્સાહન આપવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ અંગે ટાટા ગ્રુપ સાથે સંકલિત ટોરંટો યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ જો વોન્ગે કહ્યું હતું કે, અમને ભારતમાં નવી તકો દેખાય છે અને ભારતમાં અમારો વ્યાપ વધારવામાં અમને આનંદ મળશે. ઉપરાંત મેકગીલ યુનિવર્સિટી, સિડની યુનિવર્સિટીએ પણ આ મુદ્દે હકારાત્મક અભિગમ દાખવતા કહ્યું છે કે, ભારત સાથે ભાગીદાર કરી નવા અભ્યાસક્રમ અને નવા સંશોધન ક્ષેત્રે કાર્ય કરવામાં માટે પણ આતુર છીએ.