દક્ષિણ ગુજરાતમાં સાયકલોનીક સરકયુલેશન, મહારાષ્ટ્રમાં ઓકસોર ટ્રફ અને અજમેરથી લઈ કલકતા સુધી મોનસુન ટ્રફ સક્રિય

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું ધીમે-ધીમે સક્રિય થઈ રહ્યું છે. હાલ એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય હોવાનાં કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આવતીકાલે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. આવતીકાલથી વરસાદનો વ્યાપ અને વિસ્તાર વધશે. આવતા સપ્તાહથી સાર્વત્રિક ભારે વરસાદની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

હવામાન વિભાગનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ દક્ષિણ ગુજરાત પર એક સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જયારે મહારાષ્ટ્રમાં ઓકસોર ટ્રફ સક્રિય છે જયારે અજમેરથી લઈ કલકતા સુધીની પટ્ટી પર મોનસુન ટ્રફ વ્યાપેલો છે સાથોસાથ ચોમાસું પણ સક્રિય થઈ રહ્યું છે જેની અસરતળે આજે સૌરાષ્ટ્રમાં છુટા-છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જણાઈ રહી છે. અમુક કાંઠાળા વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. દરમિયાન આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનો વ્યાપ અને વિસ્તાર વધશે. કાલે અને રવિવારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સાર્વત્રિક વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે તેમ છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જામનગરનાં કાલાવડમાં સૌથી વધુ ૧૯ મીમી વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત વિજયનગર, સુત્રાપાડા, ગોંડલ, લોધીકા, કેશોદ, જગડીયા, ઉમરગામ, મેંદરડા, વેરાવળ, હન્સોટ અને ઓલપાડમાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદ પડી રહ્યો હોવાનાં કારણે જળાશયોમાં ધીમીધારે પાણીની આવક થઈ રહી છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૦૭ ફુટ, આજી-૨માં ૦.૧૦ ફુટ, વાસલમાં ૦.૧૬ ફુટ, ત્રિવેણીઠાંગામાં ૦.૩૩ ફુટ પાણીની આવક થવા પામી છે.  રાજયભરમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. નવી સિસ્ટમ પણ સર્જાય તેવી સંભાવના જણાઈ રહી છે. આગામી મંગળવારથી રાજયમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આગામી ૪૮ કલાકમાં સુરત અને બરોડાનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.  રાજયમાં આજ સુધીમાં મોસમનો કુલ ૧૫.૯૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં સૌથી વધુ ૨૭.૨૯ ટકા વરસાદ પડયો છે. ઉત્તર ગુજરાતમાં મોસમનો ૧૧.૯૪ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૪.૭૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૫.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો ૯.૩૩ ટકા વરસાદ પડયો છે.

આજે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે: કાલથી વિસ્તાર સાથે વરસાદનો વ્યાપ પણ વધશે: દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે ભારે વરસાદ વરસી શકે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.