દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજે સુરત, નવસારી, વલસાડ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમજ અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, મહિસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ 5 જુલાઇ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદની વકી છે. આજે સવારે જ શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળર્છાંયુ વાતાવરણ નોંધાતા દિવસભર વરસાદ આવશે. તેમ લાગી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી દિવસો દરમિયાન ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા રહેશે. હાલ સર્જાયેલી બે સિસ્ટમને કારણે જુલાઇ મહિનામાં પાંચ તારીખ સુધી તો વરસાદ રહેશે જ. આ સાથે જ 8 થી 12 તારીખે પણ વરસાદ થવાની સંભાવના છે તેમજ 11, 12, 13 જુલાઇ દરમિયાન દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ તેવી શક્યતા જોવા મળી રહી છે.
આજે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરવલ્લી, સાંબરકાંઠા, દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ વર્ષ ખેડૂતો માટે સારૂં રહેશે. ઓગષ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં સારો વરસાદ થશે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજા જાણે મનમૂકીને વરસ્યા હોય તેમ 203 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ, કચ્છ, જૂનાગઢ અને રાજકોટ તેમજ સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ બન્યું છે.