છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 250 પૈકી 245 તાલુકાઓમાં વરસાદ: સૌથી વધુ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 22 ઇંચ ખાબક્યો
જૂન માસમાં મેઘરાજાએ ગુજરાત સાથે રૂષણા કર્યા હતા. જુલાઇના આરંભથી જ મેઘો ગુજરાત પર અનરાધાર હેત વરસાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો જુલાઇ માસના 11 દિવસથી જ વિત્યા છે ત્યાં રાજ્યમાં મૌસમનો 43 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી.
250 તાલુકાઓ પૈકી 245 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 22 ઇંચ વરસી ગયો છે. સવારથી 80 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
ભારેથી અતિભારે વરસાદ આપે તેવી એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસની અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 245 તાલુકાઓમાં વરસાદ પડી ગયો છે. ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં સરેરાશ 850 મીમી વરસાદ પડે છે. જેની સામે આજ સુધીમાં રાજ્યમાં 363.22 મીમી વરસાદ વરસી ગયો છે.
મૌસમનો કુલ 42.72 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 75.20 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 23.43 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 35.86 ટકા, સૌરાષ્ટ્રમાં 43.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 52.38 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. હજુ ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.