એક સાથે ચાર-ચાર સીસ્ટમો સક્રિય: આજે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર બનશે, કાંઠાળ વિસ્તારમાં અમુક સ્થળે અતિ ભારે વરસાદ વરસી શકે: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૮૬ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ: માછીમારોને દરિયો ન ખેડવા સુચના
મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા વિસ્તારમાં અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન, ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશ, મોન્સુન ટફ નોર્મલ પોઝિશનમાં અને ઈસ્ટથી લઈ વેસ્ટ સુધી શેયર ઝોન રચાતા આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રીક મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળે અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. દરમિયાન આજે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર બનશે. જેની અસરતળે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં મેઘાવી માહોલ રહેશે. ૯૮ જળાશયોને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. જ્યારે ૯ જળાશયોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. ૨૨મી સુધી તમામ વિભાગોને એલર્ટ રહેવા પણ તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત મોન્સુન ટફ નોર્મલ પોઝિશનમાં છે. ઈસ્ટથી લઈ વેસ્ટ સુધી શેયર ઝોન રચાયો છે. આજે બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેસર સર્જાય તેવી સંભાવના છે. જેની અસરતળે આગામી ૨૨મી સુધી રાજ્યમાં સાર્વત્રીક મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળે અતિભારે વરસાદ વરસી શકે છે. ગઈકાલે સાંજે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની એક બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની શકયતાને ધ્યાનમાં રાખી તમામ વિભાગોને એલર્ટ રહેવા તાકીદ કરી દેવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી સતત રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હોય જળાશયોમાં પણ પાણીની ધોધમાર આવક થવા પામી છે. જેના કારણે રાજ્યના કુલ ૯૮ જળાશયોને હાલ હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. જ્યારે ૯ જળાશયોને એલર્ટ પર અને ૧૪ જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. બંગાળની ખાડીમાં આજે ઉદભવનાર લો-પ્રેસરના કારણે આગામી ૨૧ થી ૨૭ ઓગષ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે ૮ વાગ્યે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮૬ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. આ સાથે આજ સુધીમાં રાજ્યમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૮૫.૧૪ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ પર જાણે મેઘરાજા ઓળધોળ થઈ ગયા હોય તેમ ૧૫૦ ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૬૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૬ ટકા, સૌરાષ્ટ્ર ૧૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૭૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં ૩॥ ઈંચ, ચોટીલામાં ૧॥ ઈંચ, રાજકોટ જિલ્લાના લોધીકામાં ૩॥ ઈંચ, રાજકોટમાં ૨॥ ઈંચ, કોટડા સાંગાણીમાં ૧॥ જામકંડોરણમાં ૧ ઈંચ અને મોરબી જિલ્લામાં પણ હળવા ઝાપટાથી લઈ ૩॥ ઈંચ વરસાદ પડ્યો હતો. મોરબી શહેરમાં ૩॥ ઈંચ, ટંકારા અને માળીયા મિયાણામાં ૧॥ ઈંચ, વાંકાનેરમાં ૧ ઈંચ, જામનગર જિલ્લાના કાલાવાડ અને જામજોધપુરમાં ૧ ઈંચ જ્યારે ધ્રોલ અને જોડીયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં હળવા ઝાપટા પડ્યા હતા તો જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧॥ ઈંચ, જૂનાગઢ, મેંદરડા, માળીયા હાટીનામાં ૧ ઈંચ, માંગરોળ અને ભેંસાણમાં ॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી.
આજે સવારથી રાજ્યના ૨૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે હવે ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યાં છે. આજે સવારથી રાજકોટમાં વરાપ જોવા મળ્યો હતો. ગઈકાલે દિવસ દરમિયાન ધીમીધારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. આજે સવારના સમયે સૌરાષ્ટ્રભરમાં મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાદર ઓવરફલો થવામાં માત્ર ૧.૮૦ ફૂટ જ છેટુ
સતત વરસાદના કારણે જળાશયોમાં અનરાધાર આવક
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક સતત ચાલુ છે. સૌરાષ્ટ્રનો દરિયો ગણાતા ભાદર ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવું પોણો ફૂટ પાણી આવતા ડેમની સપાટી ૩૨ ફૂટને પાર થવા પામી છે. હવે ભાદર ઓવરફલો થવામાં માત્ર ૧.૮૦ ફૂટ જ બાકી રહ્યો છે. ભાદરને બાદ કરતા રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી, ન્યારી, ન્યારી-૨ અને લાલપરી સહિતના જળાશયોે મેઘકૃપાથી છલકાઈ ગયા છે. રાજકોટ સિંચાઈ પુર વર્તુળના જળાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૭૨ ફૂટ પાણી આવ્યું છે. ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી હાલ ૩૨.૨૦ ફૂટે પહોંચવા પામી છે. હવે ડેમ છલકાવામાં માત્ર ૧.૮૦ ફૂટ બાકી છે. ડેમમાં ૫૮૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજી ડેમમાં નવું ૧.૩૮ ફૂટ પાણી આવતા ગઈકાલે સાંજે જ આજી ડેમ ઓવરફલો થઈ ગયો હતો. આ ઉપરાંત ન્યારી ડેમમાં પણ માતબર પાણીની આવક થતાં ગઈકાલે ડેમના દરવાજા બીજી વખત ખોલવાની જરૂરીયાત ઉભી થવા પામી હતી. આ ઉપરાંત ગોંડલીમાં ૨.૯૫ ફૂટ, મોતીસરમાં ૨.૬૨ ફૂટ, ઈશ્ર્વરીયામાં ૦.૩૩ ફૂટ, કરમાળમાં ૦.૯૮ ફૂટ, કર્ણુકીમાં ૦.૬૬ ફુટ, મચ્છુ-૧માં ૧.૦૮, મચ્છુ-૨માં ૦.૮૯ ફૂટ, ડેમી-૧માં ૦.૪૯ ફૂટ, બ્રાહ્મણીમાં ૦.૨૦ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૧૬ ફૂટ, ડેમી-૩માં ૦.૯૮ ફૂટ, વર્તુ-૨માં ૦.૦૭ ફૂટ, લીંબડી ભોગાવો ૧માં ૦.૩૦ ફૂટ, મોરસલમાં ૦.૩૩ ફૂટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૬૬ ફૂટ, નિંભણીમાં ૦.૯૮ ફૂટ, ધારીમાં અને સાકરોલી ડેમમાં ૦.૭૨ ફૂટ નવા નીરની આવક થવા પામી છે. આ લખાય છે ત્યારે પણ જળાશયોમાં ધીમીધારે સતત પાણીની આવક ચાલુ છે.