યુનોમાં પ્રમુખસ્વામી મહારાજનું જીવન કવન, વસુધૈવ કુટુમ્બકમ થીમ પર કાર્યક્રમો, લંડનના વિક્ટોરિયા ગાર્ડનમાં તકતીનું અનાવરણ, નાયગરા ધોધ પર રોશની અને વેબ્લી સ્ટેડિયમમાં કેસરી શણગાર થકી પ્રમુખ સ્વામીને યાદ કરાયા
ભારતીય ધર્મ સંસ્કૃતિ અને સનાતન ધર્મને સમગ્ર સંસારમાં દૈદિપ્યમાન કરનાર પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ પર યુનો દ્વારા અનેકવિધ કાર્યક્રમો સાથે અંજલી આપવામાં આવી હતી.
7 ડિસેમ્બર, 2022 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે પ્રમુખસ્વામી મહારાજને તેમના જન્મશતાબ્દી પર્વે ભાવાંજલિ આપતા વિશિષ્ટ કાર્યક્રમમાં અંડર સેક્રેટરી જનરલ અને યુનાઈટેડ નેશન્સ અલાયન્સ ઓફ સિવિલાઈઝેશન્સના પ્રતિનિધિ એવા મિગ્વેલ મોરેટિનોસ દ્વારા વિશ્ર્વમાં વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચે સંવાદિતા સ્થાપવામાં સામાજિક, સાંસ્કૃતિક સંસ્થાઓની મહત્વની ભૂમિકા વિષે વાત કરવામાં હતી. ભારતના રાષ્ટ્રસંઘના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યને અંજલિ આપતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ આંતરધર્મીય સંવાદિતા અને પરસ્પર સંવાદના પુરસ્કર્તા હતા. વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજ્યસ લીડર્સ ના સેક્રેટરી-જનરલ એવા બાવા જૈને જણાવ્યું હતું કે 2000 માં યોજાયેલી મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાં પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિ અને ઐતિહાસિક વ્યક્તવ્યએ સૌ ધર્મના પ્રતિનિધિઓ ઉપર ઊંડો પ્રભાવ પાથર્યો હતો.
આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજે આદરેલાં સર્વતોમુખી સેવાકાર્યોની વિડિયો દ્વારા ઝાંખી કરવામાં આવી હતી. સાથે સાથે સ્વયંસેવકોના સ્વાનુભવો દ્વારા ભુજ ભૂકંપ રાહતકાર્ય, શિક્ષણ અને નારી ઉત્થાન, સામાજિક સંવાદિતા વગેરે ક્ષેત્રોમાં પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ પુરુષાર્થ અને પ્રદાનને વર્ણવવામાં આવ્યું હતું.
સેજલબેન પટેલે (હ્યુસ્ટન – મેકીન્ઝીમાં ક્ધસલ્ટન્ટ) હાર્વે વાવાઝોડા સમયે અને ભુજ ભૂકંપમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દ્વારા કરવામાં આવેલા અભૂતપૂર્વ રાહત સેવાકાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રોફેસર સેજલ સગલાની દ્વારા યુ.કે.માં બીએપીએસ દ્વારા કરવામાં આવેલાં કોવિડ રાહતકાર્યો અને વેકસીનેશન માટેના પ્રયાસો વિષે સ્વાનુભાવ વર્ણવવામાં આવ્યો હતો.
‘પ્રોજેક્ટ સ્ત્રી’ ના સ્થાપક અને ન્યુયોર્ક યુનીવર્સીટીમાં મેડીકલના વિદ્યાર્થી એવા રિયા સોની તથા ટોરોન્ટોમાં સ્કુલ પ્રિન્સિપાલ એવા આરતી પટેલે જણાવ્યું હતું કે, બીએપીએસ સંસ્થામાં વિવિધ પ્રવૃતિઓમાં સ્ત્રીઓને નેતૃત્વ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સમાનતા અને દિવ્યતાના ભાવ સાથે નારીશક્તિને સંસ્થાના સેવાકાર્યોમાં પ્રતિનિધિત્વ માટે આદરપૂર્વક વિપુલ તકો પૂરી પાડવામાં આવે છે.
સંસ્થાના વરિષ્ઠ સંતપૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ તેમના વીડીઓ ઉદ્દબોધનમાં જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ સર્વેમાં ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીને તેમની આધ્યાત્મિક ઉન્નતિ થાય એ રીતે સમાજની સેવા કરવા કટિબદ્ધ કરતા. પ્રમુખસ્વામી મહારાજ સર્વેમાં શુભ જોતા, સર્વેમાં ભગવાનને નીરખવાની દ્રષ્ટિ તેમનામાં હતી.
તા. 7 ડિસેમ્બર, 2022 ના રોજ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિક્ટોરિયા ટાવર ગાર્ડન ખાતે લંડન બીએપીએસ મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટમિન્સ્ટર સીટી કાઉન્સિલ દ્વારા મુકવામાં આવેલ તકતીમાં લખાયેલું હતુ, નીઝડન મંદિરના સર્જક પ્રમુખ સ્વામી મહારાજની (1921-2016) પાવનસ્મૃતિમાં તેઓની માનવજાત પ્રત્યેની નિસ્વાર્થ સેવાને અર્પણ.
વિશ્ર્વ વિખ્યાત વેમ્બલી સ્ટેડીયમની ભવ્ય આર્ક પણ કેસરી રંગમાં ઝળહળી ઉઠી હતી. સ્ટેડીયમ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પતા શબ્દો હતા – શાંતિ અને સંવાદિતાના વૈશ્ર્વિક રાજદૂત’.
કેનેડાના વર્તમાન પ્રધાનમંત્રી જસ્ટિન ટુડ્રોએ તેઓના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવન અને કાર્યો દ્વારા કેનેડા અને સમગ્ર વિશ્ર્વમાં અમીટ છાપ છોડી છે.
કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પરે (2006-2015) તેઓના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજ એક એવું વ્યક્તિત્વ હતા. જેમણે વિરલ સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી.