7 અને 8 જાન્યુઆરીએ યોજાવાની હતી એકમ કસોટી
અબતક, અમદાવાદ
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટેની બીજી એકમ કસોટી આ અઠવાડિયાના અંતમાં યોજાવાની હતી. પરંતુ, હાલમાં 15થી 18 વર્ષની વયજૂથના શાળાના બાળકો માટે ચાલી રહેલી કોવિડ-19ની રસીકરણની ઝુંબેશના કારણે તેને મુલતવી રાખવામાં આવી છે.
’એકમ કસોટીનો પહેલો તબક્કો 29 ડિસેમ્બર અને 30 ડિસેમ્બરે યોજાયો હતો. આગામી તબક્કો કે જે 7 જાન્યુઆરી અને 8 જાન્યુઆરીએ યોજાવાનો હતો તેને સ્કૂલના બાળકો માટે ચાલી રહેલી રસીકરણની ઝુંબેશના કારણે મોકૂફ રાખવામાં આવી છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
એવા સમયે જ્યારે રાજ્યની સ્કૂલોએ વિદ્યાર્થીઓના રસીકરણ માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે,
ત્યારે રાજ્યની ડિપ્લોમા અને આઈટીઆઈ કોલેજોમાં આ પ્રક્રિયાને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે.
અત્યારસુધીમાં આ વય જૂથમાં આવતા ડિપ્લોમા અને આઈટીઆઈ કોલેજના વિદ્યાર્થીઓને રસી આપવા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં આશરે 1 લાખ વિદ્યાર્થીઓ છે, જેમાંથી 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોના છે.