કોરોના મહામારીને પગલે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપનું અનોખું કાર્ય
ટંકારામાં સમુહ લગ્નને બદલે ૪૪ દિકરીઓના ઘર આંગણે જ લગ્ન કરાવ્યા
સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારા દ્વારા દર વર્ષે સમાજના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે તેમજ સમય અને માનવશકિતના બચાવને ધ્યાને લઇ સમુહલગ્નનુ આયોજન કરે છે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઇ તેમજ આંશિક લોકડાઉન હોવાને કારણે સમુહલગ્ન થઇ શકે તેમ ના હોય ત્યારે લગ્ન ઇચ્છુંક ૪૪ દિકરીઓને પોતાના જ આંગણે કોરોનાની ગાઇડ લાઇન મુજબ ગુજરાત સરકારના પોર્ટલ પર નોંધણી કરાવી ૨૫-૨૫ લોકોની મર્યાદામાં લગ્ન કરાવી આપ્યા.
તેમજ કરિયાવરમાં ૫૯ જેટલી વસ્તુઓ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી લાખેણો કરિયાવર દિકરીઓને ભેટમાં આપવામાં આવ્યો, સુખી સંપન્ન પરિવાર અને સંસ્થાના માનદમંત્રી સંજયભાઈ ડાકાએ પણ પોતાના ભત્રીજાના લગ્ન આજ દિવસે નિર્ધાયા તેમજ સોશ્યલ ગ્રુપ દ્વારા આપવામાં આવતો કરિયાવર પણ ન લઇ સમાજમાં ઉતમ દાખલો બેસાડ્યો હતો.
લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોએ કોરોનાની પરિસ્થિતિને સમજીને મર્યાદિત સંખ્યામાં વિધિ વિધાન પ્રમાણે દિકરીઓને સાસરે વળાવી માતા પિતાએ પોતાની જવાબદારી પુરી કરી સાથે સગા સ્નેહીજનોના આરોગ્યની જાળવણીની પણ ચિંતા કરી, કરિયાવર સમિતિ હરીપર (ભુ) દ્વારા લોકડાઉનના સમયમાં પણ કરિયાવર ખરીદી કરી અને દિકરીઓને ઘર સુધી વિતરણ થાય તેવી વ્યવસ્થાનુ આયોજન કરેલ હતું, કોરોનાની મહામારી વચ્ચે પણ દિકરીઓના આંગણે લગ્ન કરાવી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપે પોતાનુ સામાજિક દાયિત્વ નિભાવ્યું હતું.