જાપાન પોતાની ટેક્નોલોજી માટે ઓળખાતો દેશ છે. તેને ફરી એકવાર પોતાની ટેકનોલોજીની કાબીલિયત વિશ્વ સમક્ષ રજૂ કરી છે. તાજેતરમાં જ જાપાને એક એવું વાહન તૈયાર કર્યું છે જે રેલવે ટ્રેક અને રોડ બંને પર ચાલી શકે છે. હકીકતમાં આ વાહન એક બસ છે જે રોડ અને રેલવે ટ્રેક બંને પર આરામથી દોડી શકશે.

આ બસનું પ્રારંભિક ટ્રાયલ સફળ રહ્યું છે, અને હવે તેને આજે જ ક્રિસમસથી જાપાનના બે રાજ્યો વચ્ચે ચલાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર, આ વાહનને ‘ડ્યુઅલ મોડ વ્હીકલ’ એટલે કે ડીએમવી નામ આપવામાં આવ્યું છે. આ ડીએમવી 15 સેકન્ડમાં રોડ પર ચાલતી બસમાંથી ટ્રેક પર ચાલતી ટ્રેનમાં કન્વર્ટ થઈ શકે છે. તેમાં સ્ટીલ વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે, જેની મદદથી તેને એક બટન દબાવીને ટ્રેક પર ઉતારી શકાય છે.

જ્યારે રસ્તા પર હોય ત્યારે તે ‘મોડ ઇન્ટરચેન્જ’ બની જાય છે, જેમાં સ્ટીલના પૈડાં પાછળ જાય છે અને રબરના ટાયર આગળ જાય છે. આ ‘ડ્યુઅલ મોડ વ્હીકલ’ ડ્રાઈવર સહિત 23 લોકોને લઈ જઈ શકે છે. આ વાહનની લંબાઈ લગભગ આઠ મીટર (26 ફૂટ) છે. તેનું વજન માત્ર 5,850 કિલો (5.85 ટન) છે, જે તેને નિયમિત ટ્રેન કેરેજ કરતાં ઘણું હલકું બનાવે છે. ટ્રેક પર આ વાહન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, જ્યારે રસ્તા પર તેની સ્પીડ લિમિટ વધુ વધારી શકાય છે.

ડીએમવી જાપાનના શિકોકુમાં ટોકુશિમા અને કોચી પ્રીફેક્ચર્સને જોડશે. તેનો ઉપયોગ ભૂકંપની સ્થિતિમાં થઈ શકે છે, જે લોકોને રોડ કે રેલ માર્ગે ‘ઝડપી સહાય’ પૂરી પાડી શકે છે. આ વાહન જાપાનની કંપની એએસએ સીસાઈડ રેલવે  દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે. જે મુજબ ડીએમવી એ વિશ્વનું પ્રથમ વાહન છે જે ટ્રેક અને રસ્તા બંને પર દોડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.