‘‘ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે’’, જેમાં મોટેભાગે પુરૂષો જ ખેતી કરતા આવ્યા હતા પરંતુ સાંપ્રત સમયમાં બદલાવ આવ્યો છે. હવે સ્ત્રીઓ પણ કૃષિ ક્ષેત્રે આર્થિક ઉન્નતિ કરી પ્રગતિ સાધી રહી છે. બદલાતા જતા પરિપ્રેક્ષ્યમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની કૃષિ ક્ષેત્રે નામના મેળવી રહી છે. આવા જ એક મહિલા ખેડૂત છે કે જેમણે અશક્યને શક્ય બનાવ્યું છે. વલસાડ જિલ્લો અરબી સમુદ્રના કાંઠે વસેલો છે એટલે કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં સ્વભાવિકપણે ખારપાટ જમીન હોય. સિંચાઈ માટે બોરિંગ કરવો હોય તો તેમાંથી ખારું પાણી નીકળે. આવી પડકારજનક પરિસ્થિતિ વચ્ચે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા માલવણ ગામના કેવડિયા ફળિયાના મહિલા ખેડૂત હીના પટેલે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતીની રાહ અપનાવી અન્ય મહિલા ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે.
ખેતરમાં બમણો પાક થાય અને આવક વધે તે માટે મોટેભાગે ખેડૂતો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય છે જેને કારણે જમીનનું સ્વાસ્થ્ય તો બગડતું જ હોય છે પરંતુ સાથે સાથે આ ખેત પેદાશ આરોગવાથી શરીરમાં અનેકવિધ રોગો થવાની પણ સંભાવના વધી જાય છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી સ્વસ્થ તંદુરસ્ત જીવન અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કરતા હવે મહિલા ખેડૂતો પણ મેદાનમાં આવી છે. વડાપ્રધાનશ્રી દ્વારા સખી મંડળની બહેનોને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા આપવામાં આવતા વલસાડ જિલ્લામાં પણ મહિલાઓ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરી રહી છે. જેનું જીવંત ઉદાહરણ માલવણના હીનાબેન પટેલ પૂરું પાડી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરી રહેલા પ્રગતિશીલ મહિલા ખેડૂત હીનાબેન પટેલે જણાવ્યું કે, પહેલા બજારથી શાકભાજી લાવતા હતા. પરંતુ આ શાકભાજી રાસાયણિક ખાતરથી પકવેલી હોવાથી અનેકવિધ બીમારીને આમંત્રણ મળતું હોય છે જેથી પોતાના ઘરે જ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો દ્વારા ખેતી કરવાનું વિચાર્યું હતું. જે માટે નવસારી આત્મા પ્રોજેકટમાં ફરજ બજાવતા મારા સંબંધી અનિતાબેન વી. પટેલ અને વલસાડ આત્મા પ્રોજેકટમાં ફરજ બજાવતા શિતલબેન ટંડેલ દ્વારા પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળતા વર્ષ 2020માં પા પા પગલીથી શરૂઆત કરી હતી. આજે દોઢ વીંઘા જમીન પર રીંગણ, મરચા, ટામેટા, કોબી, ફલાવર, પાલક, મેથી, ધાણા સહિતની વિવિધ શાકભાજી પાકોની ખેતી કરું છું. આ સિવાય 70 જેટલી આંબા કલમ છે. પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી જીવામૃત હું જાતે જ ઘરે બનાવું છું.
આ સિવાય ઘરે દેશી ગાય છે જેના ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ ખેતી માટે અમૃત સમાન ગણાય છે. જેના દ્વારા પાકનું ઉત્પાદન પણ વધે છે અને સ્વાદ પણ સારો આવે છે. મારા ઘરે ગામના લોકો પણ શાકભાજી ખરીદી અર્થે આવે છે જેથી માર્કેટ સુધી ખેત પેદાશ વેચવા જવાની જરૂર પડતી નથી. સિંચાઇ વિશે હીનાબેન કહે છે કે, ગામ કાંઠા વિસ્તારમાં આવેલું હોવાથી જમીન ખારપાટ છે જેથી પિયત માટે બોરિંગ કરાવીએ તો ખારું પાણી આવે છે જેથી સિંચાઈ માટે બાજુમાંથી પસાર થતી નદીમાંથી પાણી લઈએ છે. અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપતા હીનાબેન જણાવે છે કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ એક વાર ખેતીમાં કરીએ એટલે બીજીવાર પણ કરવો પડતો હોય છે, જેના કારણે જમીન બંજર બની જાય છે. પ્રાકૃતિક ખેતીના જીવામૃત અને બીજામૃત એટલી બધી તાકાત છે કે, પાક પણ સારો આપે છે અને જમીન પણ ફળદ્રુપ બનાવે છે. રાજ્ય સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે દર મહિને મને રૂ. 900ની સહાય મળે છે જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માની સૌ ખેડૂતો ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી કરી સ્વસ્થ અને સમૃધ્ધ રાષ્ટ્ર બનાવવા અનુરોધ કરૂ છું.