‘ચા’ એક એવું પીણું છે, જે વિશ્વવ્યાપી છે. દુનિયાના ગમે એ ખૂણામાં જાવ તમને ‘ચા’ના રસિકો મળી જશે. બીજા શબ્દોમાં કહેવું હોય તો ‘ચા’ પીધા પછી તો સવાર પડે છે. એક કહેવત મુજબ કે ‘જેની ‘ચા’ બગડે તેનો આખો દિવસ બગડે.’ આટલું મહત્તવ ધરાવતી ‘ચા’ વિશે ચાલો થોડી માહિતી મેળવીયે.

ચીનના લોકોએ પહેલા ચા પીવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવે છે કે ચીનના રાજા ‘શાન નંગ’ની સામે ગરમ પાણીનો કપ મૂક્યો હતો તેમાં આકસ્મિક રીતે સૂકા ચાના પાંદડાઓ પડ્યા. થોડીવારમાં પાણીનો રંગ બદલાય ગયો. જ્યારે રાજાએ આ પીણું પીધું, ત્યારે તેને આ સ્વાદ ખુબ પસંદ આવ્યો. ત્યારથી ચીનમાં ‘ચા’ની શરૂઆત થઈ.

ચા વિશ્વનું એક માત્ર એવું પીણું છે જે પાણી પછી, સૌથી વધુ પીવાય છે. શરૂઆતમાં ‘ચા’ શિયાળામાં માત્ર દવા તરીકે પીવામાં આવતી હતી. 1835માં ‘ચા’ પીવાની પરંપરા ભારતમાં શરૂ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે 1,500 થી વધુ પ્રકારની ચા છે.

બોટનીની ભાષામાં ‘કેમેલીઆ સીનેસીસ’ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને અનેક જાતની ચા બનાવાય છે, અને તેને અનેક નામ પણ આપેલાં છે. 16મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દવા તરીકે ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચઢાવવા આપતા હતા. 17મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૂ થયો. ચાના છોડને આસામ અને કુર્ગ (તામીલનાડુ)નું હવામાન ફાવી ગયું. આ પહેલાં ચા ચીનથી આવતી અને ત્યાર પછી બ્રિટનથી. અત્યારે આખી દુનિયામાં ભારતની ચા જાય છે. અને આખી દુનિયાની ઉત્પન્ન થતી ચા માં 32 ટકા ભારતની ચા છે. આ બિઝનેસ 10,000 કરોડનો છે.

Tea
“ચા”ના મુખ્ય પ્રકારો

1) બ્લેક ટી

દેખાવમાં અને રંગમાં કાળી અથવા આછી સફેદ છાંટવાળી ચા એટલે બ્લેક ટી. ચાની બધી જાતો કરતાં આખી દુનિયામાં વધારે વપરાય છે. ચાના લીલા પાંદડાને સૌથી વધારે પ્રમાણમાં ઓક્સીડાઈઝ કરીને કાળી ચા બનાવવામાં આવે છે. આ પાંદડાં સુકાઈ જાય પછી રોલરથી તેના ટુકડા કરવામાં આવે છે. અને રૂમમાં પાથરી દેવામાં આવે છે. આને કારણે ચાનાં પાંદડાં હવામાંનો ઓક્સીજન ખેંચી શકે. આ પ્રક્રિયાથી તેનો સ્વાદ અને સુગંધ બદલાય છે. ત્યાર પછી આ ચા ઉપર પંખાથી ગરમ દવા નાખવામાં આવે છે, જેથી તેનો રંગ કાળો અને બ્રાઉનીશ બ્લેક (લીલાશ પડતો કાળો) થાય છે. બીજી બધી ચા કરતાં બ્લેક ટીમાં કોફીનનું પ્રમાણ વધારે હોય છે. બ્લેક ટી પોતાનો સ્વાદ અને સુગંધ વર્ષો સુધી જાળવી રાખે છે. માટે જ જગતમાં તેનો વપરાશ વધારે છે.

2) ગ્રીન ટી

ચાના લીલા પાંદડાંને ચૂંટીને તેને ખુલ્લાં રાખી ‘ઓક્સીડાઈઝ’ કરવાને બદલે તેને ઓવનમાં રાખીને તેને ‘ડીહાઈડ્રેટ’ કરવામાં આવે છે. પછી તેને સ્ટોર કરવામાં આવે છે. ડીહાઈડ્રેશનની ક્રિયાથી ચાના લીલા પાંદડાંમાં રહેલા પોલીફેનોલ્સ કેટેથીન્સ અને ફલેવેનોઈડઝ નાશ નથી પામતી. આને કારણે ગ્રીન ટી (લીલી ચા) પીવાથી આરોગ્યના ઘણા લાભ થાય છે. ગ્રીન ટી એક વર્ષમાં વાપરી નાખવી જોઈએ. નહીં તો તેના લાભ નથી મળતા.

3) વ્હાઈટ ટી

ઓછામાં ઓછી જાણીતી, વપરાતી સફેદ (વ્હાઈટ) ટી ચાના છોડના પાંદડાં પૂરા ખુલે તે પહેલાં તેના ‘બડઝ’ની ઉપર સફેદ રંગના તાંતણા હોય છે, માટે વ્હાઈટ ટી તરીકે ઓળખાય છે. આ ચામાં કેફીનનું પ્રમાણ એકદમ ઓછું છે. પણ તેમાં એન્ટીઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં છે.

4) હર્બલ ટી

ચાના છોડના કોઈ પણ ભાગ, ફૂલ, થડ, ડાળી, મૂળ, બી અને પાંદડાંને સૂકવી નાખી અથવા ઉકળતું પાણી નાખી બનાવવામાં આવે છે. આ પ્રકારની ચાનો દવા તરીકે ઉપયોગ થાય છે. આમાં તુલસી, મરી, આદુ, ફુદીનો પણ ઉમેરાય છે.

5) ઓલોંગ ટી

આ પ્રકારની ચાને ચાઈનીઝ ટી પણ કહે છે. જે ખાસ પ્રકારની પ્રોસેસથી બનાવવામાં આવે છે. પહેલાં ચાના પાંદડાંને તડકામાં સૂકવી નાખવામાં આવે છે. પછી ઓક્સીડાઈઝ કરવામાં આવે છે. આ પ્રકારની ચા તેના ચાના ખાસ છોડ ‘કલ્ટીવાઝ’માંથી બનાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.