જરૂરીયાતમંદોને અન્ન પુરૂ પાડવા ૬૦૦ મણ ઘઊં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પણ
જામનગર જિલ્લાના ચાંપાબેરાજા અને વાવબેરાજાના ૧૨ ખેડૂતોએ સેવાનો અનેરો માર્ગ ચીતર્યો છે. ચાંપાબેરાજા અને વાવબેરાજાના આ ૧૨ ખેડૂતોએ કોરોના મહામારીમાં સમાજના જરૂરીયાતમંદ લોકોને અન્ન પૂરું પાડવા માટે ૬૦૦ મણ ઘઉં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પણ કર્યા છે. સાથે જ ચાંપાબેરાજાના ટ્રસ્ટ તપસ્વી રામદેવદાસજી મહારાજ દ્વારા ૧૧,૧૧૧ અનુદાનનો ચેક તેમજ ચાંપાબેરાજાના અનોપસિંહ જાડેજા તરફથી રૂ.૫,૦૦૦નો ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પણ કર્યો હતો.
આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ખેડૂતો, આગેવાનો, દાતાઓને પ્રધાનમંત્રીએ જે અપીલ કરી હતી તેમને લોકોએ વધાવી લીધી છે. ચાંપાબેરાજાના રાજપૂત સમાજ, મેર સમાજના વગેરે દાતાઓએ આગળ આવી મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો છે. સરકાર ખેડૂતોને મદદ કરતી હોય છે ત્યારે અહીંયા ખેડૂતોએ પણ આ કપરા સમયમાં ફુલ નહિ તો ફુલની પાંખડી જેમ લોકો માટે ઘઉં તેમજ રાહત નિધિમાં ફંડ આપીને અન્ય લોકો માટે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે.
અહીં ઉપસ્થિત જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે,કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિમાં આ ખેડૂતો એ જે નવો ચીલો ચાતર્યો છે તેનાથી અન્ય લોકો પણ પ્રેરણા લઇ નાંણાકીય કે અન્ય વસ્તુથી પણ મદદરૂપ થવા આગળ આવે.
આ મુલાકાતમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જિલ્લા બેંકના વી.સી. પ્રવિણસિંહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.