વડતાલધામ મેંનેજીંગ ટેમ્પલ બોર્ડ તેમજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને હરિપ્રકાશ દાસજી સ્વામી સાળંગપુર ધામની પ્રેરણાથી 7 વિઘામાં બની રહેલાં આ નૂતન ભોજનાલયનું 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટમાં બાંધકામ થશે. જેમાં 12 લાખથી વધુ ઈંટોનો પણ ઉપયોગ થશે. શ્રીરામ લખેલી તમામ ઈંટો ગાંધીનગરમાં રહેતાં ભરતભાઈ પ્રજાપતિ દાદાની સેવારૂપે આપશે. મહત્વનું છે કે, ભરતભાઈએ સેવાનું કહ્યા બાદ મંદિરના કોઠારીએ આકટેક્ટ પાસે એસ્ટિમેટ કઢાવ્યું હતું.
જેમાં લાખો ઇંટ વપરાશે તેવું જણાવ્યું ત્યારે સાળંગપુર મંદિરના સંતોનું મન તેઓનેે કહેતાં ખચકાયું હતું, પણ તેઓએ હર્ષભેર તમામ ઈંટોની સેવા તે ખુદ આપશે તેવો નિર્ધાર વ્યકત કર્યોે હતો. અત્યારે તેમના ભઠ્ઠા પર 50થી વધુ કારીગરો ઇંટો બનાવી રહ્યા છે.
આગામી બે મહિનામાં તમામ ઇંટો તૈયાર થઈ જશે. 7 વીઘામાં ફેલાયેલ આ ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. દર્શને આવનાર હર કોઈ ભક્તને દાદાની પ્રસાદી મળે એ જ આ નૂતન ભોજનાલયની ભક્તિ છે.