અશોક થાનકી, પોરબંદર
જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાની હિલચાલ ચાલી રહી છે. પોરબંદર સમગ્ર જિલ્લામાંથી આ પ્રોજેકટ સામે વિરોધના સૂર ઉઠયા છે, ત્યારે સેવ પોરબંદર સી સંસ્થા દ્વારા દરિયાદેવનું પૂજન કરી નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર નજીકના દરિયામાં જેતપુરનું પ્રદુષિત પાણી ઠાલવવા સામે અનેક સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે અને વિરોધનો સૂર યથાવત રાખવા અવનવા કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે સેવ પોરબંદર સી સંસ્થા દ્વારા બેન્ડબાજાના આયોજન સાથે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યને જાણે મેઘરાજા પણ બિરદાવતા હોય તેમ અમીછાંટણા વરસાવ્યા હતા.
પોરબંદરનો દરિયો આ પ્રદુષિત પાણીથી ગોઝારો દરિયો બની શકે છે. ત્યારે કોઈપણ ભોગે જેતપુરના પ્રદુષિત પાણીને પોરબંદરના દરિયામાં આવતું અટકાવવા સેવ પોરબંદર સી સંસ્થા કટિબધ્ધ બની છે. આ સંસ્થા દ્વારા અગાઉ સહી ઝુંબેશ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં શહેરીજનોને સાથે રાખી ઉગ્ર આંદોલન અંગેની પણ ચિમકી આપવામાં આવી છે. દરિયાદેવનું પૂજન કરી આ સંસ્થાના અગ્રણીઓએ સંકલ્પ પણ લીધો હતો.
પોરબંદર શહેરનો આધાર મત્સ્યોદ્યોગ પર રહેલો છે અને મત્સ્યોદ્યોગ સાથે અન્ય ધંધા-રોજગાર પણ જોડાયેલા છે. જો પોરબંદરનો દરિયો પ્રદુષિત થશે તો મત્સ્યોદ્યોગને ખૂબ મોટો ફટકો પડશે તેવું પણ આ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોકટર નુતનબેન ગોકાણી, ડોકટર સિધ્ધાર્થ ગોકાણી, કાજલ વાઘેલા, રાજેશ લાખાણી અને ડોકટર રિતીજ્ઞા ગોકાણી સહિતના સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી..