આર્થિક સ્થિતિ નબળી પડતા સદાવ્રત બંધ કરવાની નોબત આવી ત્યારે વીરબાઈએ ઘરેણા વેચી સદાવ્રત ચાલુ રાખ્યું
રાજકોટથી થોડે દૂર આવેલું વીરપૂર દુનિયાનું અજોડ તીર્થસ્થાન છે. જયાં કોઈપણ પ્રકારની ભેટ લેવામાં નથી આવતી છતા અવિરત પણે અન્નક્ષેત્ર ચાલુ છે. ભકત જલારામનું સદાવ્રત ખરા અર્થમાં સેવાધર્મ છે. ભકત જલારામનો જન્મ પ્રધાન ઠકકરના ઘરે સંવત ૧૮૫૬ કારતક સુદ સાતમાના દિવસે થયો હતો. જલારામ નાનપણથી જ સેવા ભાવી હતા. સાધુસંતોની ચાકરી કરતા પિતા પ્રધાન ઠકકરને કરીયાણાની દુકાન હતી.
સોળ વર્ષની ઉંમરે જલારામના લગ્ન આટકોટના વીરબાઈ સાથે થયા. પરંતુ તેમને સાંસારીક સુખ તરફ મોહ ન હતો. તેમને સાધુસંતોની સેવા કરવી ગમતી. જલારામ અઢાર વર્ષની ઉંમરે ફતેહપૂરના ભોજલરામને મળ્યા તેનાથી પ્રભાવિત થઈ ગૂરૂ માન્યા. ભોજલરામે ગૂરૂમંત્ર આપ્યોને સદાવ્રત શરૂ કરવાની પ્રેરણા આપી. ભકત શીરોમણી જલારામે સદાવ્રત શરૂ કર્યું જે કંઈ કમાણી થાય તેનાથી સદાવ્રત ચલાવે કોઈનેભૂખ્યા ન જવાદે.
એક વખત તો આર્થિક તંગીના લીધે સદાવ્રત બંધ કરવાની નોબત આવી ત્યારે વીરબાઈએ દાગીના વેચી સદાવ્રત શ રાખ્યું.આવા જલારામ બાપાએ સંવત ૧૯૩૭ના મહાવદ દશમનાદિવસે ઈ.સ. ૧૮૮૧નાં ફેબ્રુ.માસની ૨૩મી તારીખે જીવનલીલા સંકેલી લીધી.
આ જલારામ બાપાએ સ્થાપેલ સદાવ્રત આજે પણ અવિરતપણે ચાલે છે. મેમાનોને ઉતરવા માટે મોટી ધર્મશાળા છે. અહી રહેવાની બધી જ સગવડ છે. અહી રાય રંકનો ભેદ નથી બધા જ એક પંગતે બેસી પતરાળામાં જમે છે. સવારે પ્રસાદમાં ગાઠીયા, બુંદી અને શાક પીરસાય છે. અને સાંજે કઢી, ખીચડી અને દેશ ઘી પીરસાય છે.નાના બાળકો માટે ચા-દૂધની અને ઘોડીયાની સગવડ પણ મળે છે.જલારામ બાપાની સમાધી ભગવાન રામનાં ચરણકમળ પાસે રાખવામાં આવે છે. ડેલાની પડખે સમાધિનો દરવાજો છે. સમાધીની પાસે એક કાચના કબાટમાં ઝોળી અને દંડ રાખવામાં આવ્યો છે.મંદિરમાં ત્રણ કળશ રાખવામાં આવ્યા છે. તેમાં ગંગા, યમુના અને સરસ્વતીના જળ છે. કહેવાય છે કે, આ જળ પીધા પછી કોઈને રોગ થતો નથી.