વેરાવળ તાલુકાના આજોઠાની પેઢીએ ખનીજ ચોરી કર્યાનું ખુલ્યું
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાણકોટડા ગામે મંજૂર થયેલી લાઇમ સ્ટોનની લીઝના રોયલ્ટી પાસનો દુરુપયોગ કરી સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે લાઇન સ્ટોનનું ખોદકામ કરી ખનીજ ચોરી થતી હોવાની વિગતો સામે આવી છે. આ લીઝનો ઉપયોગ વળી વેરાવળ તાલુકાના આજોઠાની એક પેઢી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લાં 6 મહિનામાં માત્ર લોઢવા ગામના ગૌચરમાંથી જ 1 લાખ મેટ્રિક ટન લાઈમ સ્ટોનનું ખોદકામ કરી એક સીમેન્ટ કંપનીને સપ્લાય કરાઇ છે. આ વિસ્તારોમાં સ્ટોક ધારકો જામનગર જીલ્લામાં મંજૂર થયેલી લીઝના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી સીમેન્ટ ફેક્ટરીને ખનીજ સપ્લાય કરે છે. આ પદ્ધતિસરનું ખનીજ કૌભાંડ ફેક્ટરીઓ જ કરાવી રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ પ્રકારનાં સ્ટોક ધારકો જામનગરથી ગિર સોમનાથ સુધીનું 250 કિમી અંતરનું ટ્રાન્સપોર્ટ ખર્ચ બચત કરાવી સસ્તા ભાવે ખનીજ ખરીદવાનો હેતુ સિદ્ધ કરતા હોય છે.
આ ગેરકાયદે પ્રવૃતિ અટકાવવાની મુખ્ય જવાબદારી ગિર-સોમનાથ અને જામનગર જીલ્લાનાં ખાણ ખનીજ વિભાગની બને છે. પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરે છે. આથી સમગ્ર વિસ્તારના ગૌચર અને પર્યાવરણને ભરી ન શકાય એવું નુકસાન થઇ રહ્યું છે. સમગ્ર કૌભાંડ બાબતે હાલ એનજીટીમાં પીટીશનો પણ દાખલ થઇ છે અને તેની સંયુક્ત સમિતી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે ખનીજ ખરીદનાર ફેક્ટરીઓને પણ જવાબ રજૂ કરવા નોટિસો કઢાઇ છે. આ ખનીજ ચોરીના તાર જામનગર, દ્વારકા, રાજકોટ જિલ્લા સુધી લંબાયેલા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.