કોરોના મહામારીના વાયરામાં હજારો જીવનદીપ અકાળે ઓલવાઈ ગયા છે. મૃત્યુએ આમ તો જીવનનું અંતિમ સત્ય છે. જેનો જન્મ છે, તેને એક દિવસ મરણને શરણ તો થવાનું જ છે. પરંતુ આ સત્યને પચાવું ખુબ અઘરું છે. જયારે આપણા કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આપણે હચમચી જાયે છીએ. આવી કપરી સ્થિતિમાં પોતાનું માનસિક મનોબળ મજબૂત રાખી ધૈયપૂર્ણ કામ લેવું તે ઓછા લોકો કરી શકે. આપણે વાત કરવી છે, એક એવા પરિવારની જેણે પોતાના સદગત સ્વજન પાછળ મજબૂત મનોબળ રાખી માત્ર આંસુ સારવાને બદલે પ્રેરણાદાયી કાર્યો કર્યા.
રાજકોટમાં ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા અને નવરંગ નેચર કલબ સાથે જોડાઈને પર્યાવરણ માટે કાર્ય કરતા હસ્મિતાબેન બોડાના પતિ ભીમજીભાઈ જેરામભાઈ બોડા (ગામ ઇશ્વરીયા હાલ રાજકોટ)નું અચાનક જ ઓક્સીઝન લેવલ ઘટી જવાના કારણે 54 વર્ષની વયે મૃત્યુ થયું હતું. હસ્મિતાબેન અને ભીમજીભાઈને સંતાનમાં બે દીકરીઓ જ છે. પરિવારમાં માત્ર એક જ પુરુષ અને તે ઘરમાં આધારસ્તંભ સમા મોભી હતા. જેની વિદાઈથી માં દીકરીઓ પર આભ તૂટી પડ્યું.
અમુક માણસો નોખી માટીના બનેલા હોય છે, તે ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો પણ હિંમતથી કરી જાણતા હોય છે. બસ આવી જ હિંમત ભીમજીભાઈ પત્નિ હસ્મિતાબેન અને તેની મોટી પુત્રી આરઝૂએ દાખવી છે. માતા-પુત્રીએ હિંમતપૂર્વક હિન્દુ ધર્મ અનુસાર મૃતકના દેહ સંસ્કાર કર્યા, એમના આત્માના મોક્ષાર્થે શાસ્ત્રોક્ત વિધિથી શાંતિ યજ્ઞ કર્યો.
હવે વાત આવે છે અસ્થિ વિસર્જનની, મોટાભાગના લોકો અસ્થિ પવિત્ર નદી અથવા જલકુંડમાં અસ્થિનું વિસર્જન કરતા હોય છે. પરંતુ અહીંયા કિસ્સો અલગ છે, બંને મા દીકરીએ સંકલ્પ કર્યો કે નદી કે કુંડના જળમાં અસ્થિ વિસર્જન કરીને જળને દૂષિત નથી કરવું. તેને બદલે અસ્થિફુલને પાંચ અલગ અલગ જગ્યાએ ખાડો કરી જમીનમાં પધરાવી ઉપર પીપળો, વડ, પીપર, ઉમરો અને પારસપીપળો જેવા પાંચ વૃક્ષ વાવવા જેથી વૃક્ષોના રૂપમાં એમની સ્મૃતિ કાયમી ધોરણે જળવાય રહે. પક્ષીઓને રહેઠાણ અને ખોરાક મળી રહે અને પર્યાવરણને પણ ફાયદો થાય.
કોરોના મહામારીમાં આપણને ઓક્સીઝનની કિંમત સમજાણી છે. પ્રદુષિત વાતારાવરણને કારણે શહેરમાં વસતા લોકોના ફેફસા, કિડની અને લીવર નબળા પડી રહ્યા છે. પ્રકૃતિ અને પર્યાવરણનું જતન નહીં કરીએ તો કોરોના જેવી મહાભયંકર બીમારીઓ એક પછી એક આવતી જ રહેશે. તેનાથી બચવા માટે આ એક અતિશ્રેષ્ઠ અને ક્રાંતિકારી વિચાર છે. સ્વજનના અસ્થિફુલ જળમાં પધરાવવાને બદલે, જમીનમાં પધરાવી તેની ઉપર યથાશક્તિ વૃક્ષો વાવવા જોઈએ. આખરે તો માટી ભેગી માટી ભળી જવાની છે.
આપ સર્વેને નમ્ર અપીલ છે કે, જ્યારે કોઈ આવું ક્રાંતિકારી પગલું ભરે ત્યારે એમને બિરદાવવા જોઈએ એમાંથી પ્રેરણા લઈ આપણે પણ કંઈક કરવું જોઈએ અને સાથે બીજા લોકોને પણ પ્રેરિત કરવા જોઈએ. ડી.એન.કે ફાર્મના માલીક અને જાણીતા ડેન્ટિસ્ટ ડો.દેવેન્દ્રભાઈ કાલરીયા , ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના માલીક ગજેરાસાહેબ અને તૃપ્તિબેન ગજેરા , ફુલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતા , નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલા સાહેબ સહિત અનેક લોકોએ હસ્મિતાબેનના આ નવતર અભિગમને બિરદાવ્યો હતો.