રાષ્ટ્રગાન પોર્ટલ પર ‘રાષ્ટ્રગીત ગાઓ, રેકોર્ડ કરો’ની વડાપ્રધાનની રાષ્ટ્રભાવનાને વધાવતા ભુપતભાઇ બોદર : જિલ્લાના તમામ ગામોમાં લોકો કરશે રેકોર્ડિંગ
સ્વતંત્રતા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘રાષ્ટ્રગાન પોર્ટલ’ પર ‘રાષ્ટ્રીગીત ગાઓ, રેકોર્ડ કરો’ માટે એક ઓનલાઇન પોર્ટલ …. બનાવ્યું છે. જ્યાં કોઇપણ વ્યક્તિ રાષ્ટ્રગીત ગાતા પોતાના વિડિયો રેકોર્ડ અને અપલોડ કરી શકે છે. આ કાર્યક્રમનો ઉદેશ “વધુમાં વધુ ભારતીય” સાથે મળીને રાષ્ટ્રગીત ગાવા મળે અને રાષ્ટ્રભાવના પ્રબળ બને તે માટેનો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇની રાષ્ટ્રભાવનાની આ પહેલને વધાવતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ ગ્રામજનોને રાષ્ટ્રગીત રેકોર્ડ કરવા માટે અપીલ કરવામાં આવી છે અને તેનો ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. દરેક ગામમાંથી લોકો ઓનલાઇન પોર્ટલ પર રાષ્ટ્રગીત કરાવી રહ્યાં છે.આ ઉપરાંત આગામી 15મી ઓગષ્ટ 2021 “આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે” રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ જિલ્લાના તમામ 595 ગામોમાં એક જ દિવસ વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય આશય હાલ 21મી સદીમાં પૃથ્વી પર “ગ્લોબલ વોર્મીંગ” અસર ખૂબ જ વધી ગયેલ છે. અને તેને રોકવા માટે આપણી પાસે વૃક્ષો ઉછેરવા એ જ માત્ર ઉત્તમ ઉપાય છે.આવનારી પેઢીને વૃક્ષોનું આ મહત્વ અને જતન સમજાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “પર્યાવરણ બચાવો અભિયાન” અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં આ રીતે પ્રથમવાર એક સાથે તમામ 595 ગામોમાં વૃક્ષારોપણ થશે તેમજ 15 ઓગષ્ટના સ્વાતંત્ર દિવસ નિમિતે ધ્વજવંદનનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ભારતની સ્વતંત્રતા ચળવળતા દરેક શહીદોને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પી ગ્રામજનોમાં રાષ્ટ્રભાગનાનું સિંચન કરવામાં આવશે.આ ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગને લાઇટિંગથી શણગારવામાં આવશે. 15 ઓગષ્ટના સવારે 9:15 કલાકે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવશે તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.2 કરોડ 50 લાખના ખર્ચે મંજુર થયેલ ખેરડી-ગઢકા રોડનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ રોડ તૈયાર થયા બાદ ખેરડી અને ગઢકા ગામના લોકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે અને જીવનધોરણ ઊંચુ આવશે.