થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે એકત્ર થયેલુ રક્ત બ્લડ બેંકને અપાયું
હાલના પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે લોકોમાં કહેર વ્યાપ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાને રાખીને હાલ કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમો કે મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે કલાકારોના ધંધા રોજગાર તો બંધ થયા જ છે પણ તેની સાથોસાથ બીજી બાજુ ધ્યાને લેવામાં આવે તો સમાજ ઉપયોગી કાર્યક્રમો પણ સદંતર બંધ થવા પામ્યાં છે.
રાજકોટની પ્રજા એકબીજાની મદદ કરીને આગળ વધનારી પ્રજા છે. કોઈના સુખમાં સહભાગી થવાનો મોકો મળે કે ન મળે પણ દુ:ખમાં સૌ કોઈ ભેગા મળીને વિપત્તિનો સામનો કરતા હોય છે. રાજકોટની તાસીર પ્રમાણે કોઈ રાત્રે ભૂખ્યા પેટે સુવે નહીં એ બાબત બિલકુલ સાચી છે. તેવી જ રીતે સમાજના મુખ્ય પ્રશ્ન પૈકી એક થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી પહોંચાડવું જરૂરી છે. આ બાળકોને કાયમી ધોરણે લોહીની જરૂરિયાત રહેતી હોય છે. રાજકોટમાં આવા બાળકો માટે કોરોના કાળ પહેલા અનેકવિધ રક્તદાન કેમ્પનું આયોજન વિવિધ ધાર્મિક, રાજકીય, સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવતું હતું પણ જે રીતે કોરોના મહામારીનો વ્યાપ વધ્યો તેના કારણે સોશ્યલ ડિસ્ટનસ મુદ્દે રક્તદાન કેમ્પનું પણ આયોજન અટક્યું હતું. આવી મહામારી સમયે મેટ્રો શૂઝ ગ્રુપ દ્વારા ખૂબ પ્રેરક પગલું લેવામાં આવ્યું હતું. મેટ્રો શૂઝના ચેરપર્સન રફીક મલિકના જન્મ દિવસ નિમિતે મેટ્રો શૂઝની તમામ શાખાઓ અને બ્રાન્ડના કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કર્મચારીઓએ હોંશભેર ભાગ લઇને રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં એકત્રિત થનાર તમામ લોહીના યુનિટને લાઈફ બ્લડ બેંક મારફત થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે કરવામાં આવનાર છે. રક્તદાન કરી કોઈનું જીવન બચાવી શકાય તેવી ઉક્તિ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.