સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં એનએસએસના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના 52માં સ્થાપના દિવસ નિમિત્તે આજે સેલવાસમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી નાયબ કલેક્ટર (RDC) ડો.અપૂર્વા શર્માએ રેડક્રોસ બિલ્ડિંગમાં રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન દાનહની રાષ્ટ્રીય સેવા યોજનાના અધિકારી ગૌરાંગ વ્હોરા પણ ખાસ હાજર રહ્યા હતા.
આરડીસી ડો.અપૂર્વા શર્માએ રક્તદાનને મહાદાન ગણાવતા તમામ તંદુરસ્ત લોકોને રક્તદાન કરવા પર ભાર મૂક્યો હતો. આ તકે માહિતી આપતાં ગૌરાંગ વ્હોરાએ જણાવ્યું હતું કે દેશની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ઉજવવામાં આવતા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને અમે 75 યુનિટ રક્તદાન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જો રક્તદાતાઓની સહાયતા મળવવાનું ચાલુ રહેશે એટલે કે જો રક્તદારાઓ રક્ત દાન કરવા ઊમટતા રહેશે તો આ લક્ષ્યને જલ્દીથી પૂર્ણ કરી શકીશું.
એનએસએસની સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં સરકારી કોલેજના પ્રિન્સિપાલ ડો.ભગવાન ઝાનો સારો એવો સહયોગ મળ્યો છે. આ ઉપરાંત અન્ય લોકોનો સહકાર પણ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બર, 1969ના રોજ દેશની 37 યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કાર્યક્રમો લાગુ કરવામાં આવ્યા હતા. આજે, દેશભરની શાળાઓ અને કોલેજોમાં એનએસએસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં હજારો વિદ્યાર્થીઓ સમુદાયિક સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.