કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ આજે ‘ચાઈ પે ચર્ચા’ બેઠક દરમિયાન ભારતીય જળ સ્રોતો પર સીપ્લેન (દરિયાઈ વિમાન) પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. ‘ચાઈ પે ચર્ચા’ બેઠક, ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં બદલાવ લાવવા મંત્રાલયના અધિકારીઓને મંથન કરવા મંચ પૂરું પાડતી એક અનોખી અને નવતર પહેલ છે.

સીપ્લેન પ્રોજેક્ટ, દેશના લાંબા, દુર્ગમ અને પર્વતીય પ્રદેશો માટે ઝડપી અને સુગમ  મુસાફરીનો વિકલ્પ પ્રદાન કરશે. ઉડાન યોજના અંતર્ગત, પ્રાદેશિક કનેક્ટિવિટી રૂટ્સ હેઠળ 16 સીપ્લેન માર્ગોની ઓળખ કરવામાં આવી છે. સાબરમતી અને સરદાર સરોવર-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટને આ 16 સીપ્લેન રૂટમાં સામેલ કરવામાં આવ્યો છે તથા આ રૂટનો હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ થઇ ગયો છે.

માંડવીયાએ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે સાબરમતી અને નર્મદા ખીણ-સ્ટેચ્યુ ઓફ યુનિટી સીપ્લેન રૂટ સમયનો બચાવ કરશે અને પર્યટનને વેગ આપશે કારણ કે તે નર્મદા ખીણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિહંગાવલોકન માટેની તક પૂરી પાડશે. શ્રી માંડવીયાએ અધિકારીઓને યુ.એસ.એ., કેનેડા, માલદીવ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના વોટરડ્રોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે સીપ્લેનના સંચાલન માટેના ભારતીય નિયમો અને નિયમનોને અનુરૂપ છે, તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ વોટરડ્રોમ (ટર્મિનલ)નું ભારતીય મોડેલ તૈયાર કરવાની સૂચના આપી હતી.

વિગતવાર ચર્ચા કર્યા પછી, તેમણે સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (એસડીસીએલ) અને આઈડબ્લ્યુએઆઈ (ભારતીય અંતર્દેશીય જળમાર્ગ પ્રાધિકરણ)ને સાથે મળીને ઓક્ટોબર, 2020 સુધીમાં સાબરમતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ પર સીપ્લેનની કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા. આઈડબ્લ્યુએઆઈ દ્વારા સપ્ટેમ્બર, 2020 સુધીમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વતી બાથીમેટ્રિક અને હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધરવામાં આવશે.

આઈડબ્લ્યુએઆઈ અંતર્દેશીય જળમાર્ગો પર સીપ્લેન પ્રોજેક્ટનું સંચાલન કરશે અને એસ.ડી.સી.એલ. દરિયાકાંઠાના વિસ્તારોમાં સીપ્લેન પ્રોજેક્ટનું સંચાલન કરશે.  આઈડબ્લ્યુએઆઈ અને એસડીસીએલ શિપિંગ મંત્રાલય, ફ્લાઇટ ઓપરેટરો, પર્યટન મંત્રાલય તેમજ ડીજીસીએ સાથે સંકલન કરશે.

માંડવીયાએ શિપિંગ મંત્રાલયના અધિકારીઓ, એસડીસીએલ, આઈડબ્લ્યુએઆઈ અને ઉડ્ડયન ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે આ બેઠક યોજી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.