અબતક, અમદાવાદ
ગુજરાત સરકાર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ ઇશ્યૂ કરવા માટે ફેસલેસ પ્રક્રિયા લાગુ કરશે. આ ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે અને દિવાળીના વિરામ બાદ રાજ્યમાં લાગુ કરવામાં આવશે. પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ)ના અધિકારીઓએ જાહેર કર્યું કે માર્ગ પરિવહન મંત્રાલય પહેલેથી જ સૂચનાઓ જારી કરી ચૂક્યું છે, પરંતુ ગુજરાત પરિવહન વિભાગ તેની માર્ગદર્શિકાને આખરી ઓપ આપી
રહ્યું છે.
એક અધિકારીઓએ કહ્યું કે, તેમની પાસે એક વિનંતી છે, યુરોપમાં એક વ્યક્તિની આંતરરાષ્ટ્રીય પરમિટના નવીકરણ માટે, જે 2020 માં લોકડાઉનને કારણે અટવાઈ ગઈ છે અને તેણે તાજેતરમાં એક સંબંધીને તેની આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ રિન્યૂ કરવા માટે અમદાવાદ આરટીઓમાં મોકલ્યો છે. તે વ્યક્તિ હાજર ન હોવાથી તેની પરમિટ રિન્યુ કરવામાં આવી ન હતી અને રિન્યુ માટે ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી.
તમામ આરટીઓમાં ફેસલેસ સિસ્ટમ ઉભી કરાશે: અમદાવાદમાં પરીક્ષણ ચાલુ
એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ ટ્રાયલ સ્ટેજ પર છે અને તરત જ તેને લાગુ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે નવી સિસ્ટમનો ઉપયોગ કરીને લોકો ગમે ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકશે. અરજદારે તેના ભારતીય મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને સિસ્ટમમાં લોગ ઇન કરવું પડશે અને તેને વન-ટાઇમ પાસવર્ડ વડે પ્રમાણિત કરવું પડશે.
અધિકારીએ કહ્યું કે અરજદારોએ પાસપોર્ટ અને વિઝાની વિગતો આપવી પડશે અને પછી પરમિટ આપવામાં આવશે. નવીકરણ માટે, પ્રમાણીકરણ માટે સમાન મોબાઇલ નંબરનો ઉપયોગ કરવો પડશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગ નવીકરણ અથવા આંતરરાષ્ટ્રીય પરમિટ ઇશ્યૂ કરવા માટે લગભગ 2,500 રૂૂપિયા ફી નક્કી કરવાની યોજના ધરાવે છે.
અધિકારીઓએ જણાવ્યું કે અરજદાર વિદેશમાં હોય ત્યાં પરમિટ મોકલવાની જવાબદારી આરટીઓ વિભાગની રહેશે. આરટીઓએ અરજીના 24 કલાકની અંદર પરમિટ આપવા અંગે નિર્ણય લેવાનો રહેશે.
કોઈ પણ સંજોગોમાં અરજદારને કોઈ સ્પષ્ટતા માટે આરટીઓમાં બોલાવવામાં આવશે નહીં. કાયમી લાઇસન્સ ધરાવતા અરજદારોને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ આપવામાં આવે છે.
અરજદારે દસ્તાવેજ જારી કરવા માટે જરૂરી અન્ય વિગતોની સાથે મુલાકાત લેવાના દેશો અને તેમના રોકાણનો સમયગાળો પણ જણાવવો પડશે.