જુગારના પૈસાની લેતી-દેતીમાં વિકાસ કિશોરની પિસ્તોલથી જ હત્યા થયાનું ખુલ્યું: 3ની ધરપકડ
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના પુત્ર વિકાસ ઉર્ફે આશુના મિત્ર વિનય શ્રીવાસ્તવની લખનઉના દુબગ્ગાના બેગરિયામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પિસ્તોલ મંત્રીના પુત્રની બતાવવામાં આવી રહી છે. મૃતક બીજેપીનો કાર્યકર્તા હતો. ઘટના સવારે ચાર વાગે બની હતી. હત્યા મંત્રીના ઘરે થઇ છે તેથી મામલાને લઇને ચારેય તરફ ચર્ચા થઇ રહી છે. જાણકારી પ્રમાણે મૃતક વિનય અને વિકાસ સારા મિત્રો હતા. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ દરમિયાન વિકાસે ફેસબુક પર ફ્લાઇટમાં બેઠેલા પોતાની તસવીર શેર કરી છે. તેણે ટિકિટનો ફોટો પણ શેર કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 31 ઓગસ્ટે સાંજે દિલ્હી માટે નીકળી ગયો હતો. એક તરફ આ સાબિતી છે કે ઘટના સમયે તે પોતાના ઘરે હાજર ન હતો. જાણકારી પ્રમાણે મૃતક મંત્રીના પુત્ર સાથે જ રહેતો હતો.
હત્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો બેડ પાસે લાશ જમીન પર પડેલી મળી હતી. ઘટના સમયે સ્થળ પર અરુણ પ્રતાપ સિંહ ઉર્ફે બંટી, શમીમ બાબા, અંકિત વર્મા, અજય રાવત અને અન્ય બે અજાણ્યા લોકો હાજર હતા. મૃતકના પરિવારજનોએ અજય, અંકિત અને શમીમ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે ફરિયાદ આપી છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.
ડીસીપી વેસ્ટ રાહુલ રાજે જણાવ્યું હતું કે ગોળી રાત્રે ફાયર કરવામાં આવી હતી અને વિનયને માથામાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. રાત્રે ત્રણથી ચાર લોકો એવા હતા જેમણે સાથે ભોજન પણ લીધું હતું. ઘટના સ્થળેથી વિકાસ કિશોરની એક પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ તપાસ માટે મોકલવામાં આવી છે. ડીસીપીએ જણાવ્યું હતું કે સીસીટીવી પણ છે, જેના પરથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં હત્યાનું કારણ જાણી શકાયું નથી.
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું સત્ય સામે આવશેકેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે જે થયું છે તે તપાસનો વિષય છે. આ વાતની જાણ મને થતાં મેં કમિશનરને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જે પણ સત્ય હશે તે બહાર આવશે.પોતાના નિવાસસ્થાને એક વ્યક્તિની હત્યા અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ કૌશલ કિશોરે જણાવ્યું હતું કે પોલીસે જે પિસ્તોલ મેળવી છે તે મારા પુત્ર વિકાસ કિશોરની છે. પોલીસ તપાસ કરી રહી છે, આરોપીઓને છોડવામાં નહીં આવે. ઘટના સમયે વિકાસ કિશોર નિવાસસ્થાને ન હતો. મંત્રીએ કહ્યું કે પોલીસે તેના મિત્રો અને ઘટના સમયે હાજર લોકોની અટકાયત કરી છે.