મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વંથલી અને સાબરકાંઠામાં વિજય સંકલ્પ સંમેલનમાં હાજર રહેશે

વર્ષ ૨૦૧૪ની માફક આ વખતે પણ લોકસભાની ચુંટણીમાં રાજયની તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલવવા માટે ભાજપ દ્વારા છેલ્લા ૩ દિવસથી રાજયની ૨૬ લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવી રહ્યા છે. આજે સાંજે ૫:૩૦ કલાકે રાજકોટમાં વિજય સંકલ્પ સંમેલન યોજાશે જેમાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, પરસોતમ રૂપાલા અને રાજય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે સાબરકાંઠા અને વંથલીમાં યોજાનારા સંમેલનમાં હાજરી આપી લોકોનો ઉત્સાહ વધારશે.

આજે સાંજે ૫:૩૦ કલાકે રાજકોટ ખાતે ૧૫૦ ફુટ રીંગ રોડ સ્થિત બીગબજાર સામે આવેલા અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે વિજય સંકલ્પ યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ ખાસ ઉપસ્થિત રહી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મોદી સરકારે લોકો માટે કરેલા કામો અને યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપશે.

આ તકે રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે.

ભાજપ દ્વારા ગત ૨૪ માર્ચથી રાજયની અલગ-અલગ લોકસભા બેઠકો ઉપર વિજય સંકલ્પ યોજાઈ રહ્યા છે. આજે આ અભિયાનના અંતિમ દિવસે ૧૨ સ્થળોએ વિજય સંકલ્પ સંમેલન યોજાશે જેમાં સાબરકાંઠા અને વંથલી ખાતે ખુદ મુખ્યમંત્રી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આજે રાજકોટ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ-પૂર્વ, અમદાવાદ-પશ્ચિમ, જામનગર, પોરબંદર, આણંદ, ભરૂચ, પંચમહાલ અને નવસારી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અમદાવાદમાં યોજાનારા વિજય સંકલ્પ સંમેલનમાં ખાસ હાજરી આપશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.