રેસકોર્સ અથવા ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જાહેર સભા યોજાવાની સંભાવના કેન્દ્ર સરકારની 9 વર્ષ પૂર્ણ થતા સરકારની કામગીરીનો રિપોર્ટ આપશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડપણવાળી કેન્દ્ર સરકારે તાજેતરમાં સફળતા પૂર્વક 9 વર્ષ પૂર્ણ કરતા ભાજપ દ્વારા દેશભરમાં બેમિશાલ નો સાલ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. આગામી 11મી જૂનના રોજ રાજ્યની તમામ લોકસભા સીટ પર અલગ-અલગ મંત્રી અને નેતાઓની જંગી જાહેર સભા યોજાવાની છે. રાજકોટમાં કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા કે સ્મૃતિ ઇરાનીની સભા યોજાઇ તેવી સંભાવના છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની આગેવાનીમાં કાર્યકરો દ્વારા આ અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
11મીએ યોજાનારી જનસભા માટે પ્રદેશ ભાજપ દ્વારા અલગ-અલગ કેન્દ્રિય મંત્રીના નામ મોકલવામાં આવ્યા હતા. દરમિયાન શહેર ભાજપ દ્વારા રાજકોટમાં કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા અથવા સ્મૃતિ ઇરાનીની સભાનો આયોજન કરવામાં આવે તેવી માંગણી પ્રદેશ સમક્ષ કરવામાં આવી છે. જેનો સ્વિકાર પણ કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી એકાદ-બે દિવસમાં આ અંગે સત્તાવાર ઘોષણા પણ કરી દેવામાં આવશે. કેન્દ્રિય મંત્રીની સભા માટે લોકસભાના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાને વિશેષ જવાબદારી સોંપી દેવામાં આવી છે. સંભવત: રેસકોર્ષ મેદાન ખાતે જ કેન્દ્રિય મંત્રીની સભા યોજાય તેવી શક્યતા હાલ જણાઇ રહી છે. છતાં ચૌધરી હાઇસ્કૂલ મેદાનને
પણ હાલ અનામત રાખવામાં આવ્યું છે.